હરિદ્વારમાં હૈયું કંપાવે તેવી ઘટના: ગુજરાતનાં બે માસૂમ બાળકોના ગંગામાં તણાઇ જવાથી મૃત્યુ
હરિદ્વાર: ગઇકાલે ઉત્તરાખંડમાં એક કરુણ ઘટના સર્જાય હતી. બુધવારે સવારે નગર કોતવાલી વિસ્તારમાં ગંગામાં સ્નાન કરતી વખતે ગુજરાતના બે બાળકો ગંગામાં ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે બંને બાળકોને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત બાદ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
તાપી જિલ્લાનો રહેવાસી છે પરિવાર
પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતનાં તાપી જિલ્લાનાં રહેવાસી વિપુલ ભાઈ પવાર તેના પરિવાર સાથે હરિદ્વાર ગંગા સ્નાન કરવા આવ્યા હતા. બુધવારે તેઓ પરમાર્થ ઘાટ નજીક સ્નાન કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વિપુલભાઈની 13 વર્ષીય પુત્રી પ્રત્યુષા અને 6 વર્ષીય પુત્ર દર્શ ગંગા નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. બાળકોને તણાતાં જોઈને પરિવાર તેમજ ઘાટ પર હાજર શ્રદ્ધાળુઓએ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. બંને ગુમ થયા હતા.
પોલીસે બંને બાળકોને બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાંની સાથે જ સપ્તર્ષિ ચોકીના ઈન્ચાર્જ આશિષ નેગી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. થોડા સમય બાદ બંને માસૂમ બાળકોને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : હરિદ્વારમાં રેલવે ટ્રેક પર ડિટોનેટર મળ્યા, GRP આરોપીની ધરપકડ કરી
તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા
જો કે ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. એસપી સિટી પંકજ ગૈરોલાએ જણાવ્યું કે પંચનામું કરીને બંને બાળકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા છે. આ પરિવાર બે દિવસ પહેલા હરિદ્વાર ગંગામાં સ્નાન કરવા આવ્યો હતો.