હિમાચલમાં અનોખા લગ્ન: એક યુવતીના બે ભાઈ સાથે લગ્ન, જાણો ‘બહુપતિત્વ’ પ્રથાનું કારણ…

સિરમૌરઃ હિમાચલ પ્રદેશના હટ્ટી જનજાતિના બે ભાઈઓએ સિરમૌર જિલ્લાના શિલ્લાઈ ગામમાં આયોજિત એક સાર્વજનિક સમારોહમાં એક જ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ટ્રાન્સ-ગિરી પ્રદેશના કેટલાક ભાગોમાં આજે પણ પ્રચલિત બહુપતિત્વની પારંપરિક પ્રથા હેઠળ થયા હતા.
પ્રદીપ અને કપિલ નેગીએ જણાવ્યું હતું કે સુનિતા ચૌહાણ સાથે લગ્ન કરવાનો નિર્ણય પરસ્પર સહમતિથી લેવાયો હતો અને આ માટે કોઈ પણ બહારનું દબાણ નહોતું. પ્રદીપે કહ્યું હતું કે અમે આ પરંપરાનું સાર્વજનિક રીતે પાલન કર્યું હતું કારણ કે અમને તેના પર ગર્વ છે અને આ સંયુક્ત નિર્ણય હતો.
વિદેશમાં કામ કરી રહેલા કપિલે કહ્યું હતું કે “અમે એક સંયુક્ત પરિવારના રૂપમાં અમારી પત્ની માટે સમર્થન, સ્થિરતા અને પ્રેમ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. અમે હંમેશા પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ. 12 જૂલાઈથી શરૂ થયેલા ત્રણ દિવસીય લગ્નમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા અને સ્થાનિક લોકગીતો અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

કુન્હાટ ગામની રહેવાસી સુનિતાએ કહ્યું હતું કે તે આ પરંપરાને જાણતી હતી અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તેણીએ કહ્યું હતું કે તે તેમની વચ્ચે બંધાયેલા બંધનનું સન્માન કરે છે. હિમાચલ પ્રદેશમાં બહુપતિત્વ પ્રથાને ‘જોડીદારા’ હેઠળ માન્યતા આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના મહેસૂલ કાયદાઓ આવા લગ્નોને “જોડીદારા” શબ્દ હેઠળ માન્યતા આપે છે. આ ક્ષેત્રના બધાના ગામમાં છેલ્લા છ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ આવા બહુપતિત્વ લગ્નો નોંધાયા છે. હટ્ટી સમુદાય જેને 2022માં અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો હતો. આ સમુદાય મુખ્યત્વે હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડ સરહદ પર રહે છે.
ઐતિહાસિક રીતે આ પ્રદેશમાં બહુપતિત્વ અસ્તિત્વમાં છે, જોકે વધતી સાક્ષરતા, સામાજિક પરિવર્તન અને આર્થિક વિકાસને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વ્યાપ ઘટ્યો છે. જોકે આજે આવા લગ્ન ઓછા સામાન્ય છે, ત્યારે ગામના વડીલોએ જણાવ્યું હતું કે તે ગુપ્ત રીતે થતા રહે છે અને સમુદાયના કેટલાક ભાગોમાં સામાજિક રીતે સ્વીકાર્ય છે.
ટ્રાન્સ-ગિરી પ્રદેશના લગભગ 450 ગામોમાં હટ્ટી સમુદાયના અંદાજે ત્રણ લાખ સભ્યો રહે છે. આ પ્રકારની પરંપરાઓ ઉત્તરાખંડમાં જૌનસાર બાબર અને હિમાચલ પ્રદેશના કિન્નૌર જેવા પડોશી આદિવાસી વિસ્તારોમાં જોવા મળતી હતી.
કેન્દ્રીય હટ્ટી સમિતિના મહામંત્રી કુંદન સિંહ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે દૂરના પહાડી પ્રદેશોમાં સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હજારો વર્ષોથી આ રિવાજ વિકસિત થયો છે. તેમણે કહ્યું હતું કે બહુપતિત્વ સંયુક્ત પરિવારોમાં એટલે સુધી કે સાવકા ભાઈઓ વચ્ચે પણ એકતા જાળવવામાં મદદ કરે છે અને તેને સામૂહિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના સાધન તરીકે પણ જોવામાં આવે છે.
શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે “જો તમારો પરિવાર મોટો હોય, વધુ પુરુષો હોય તો તમે આદિવાસી સમાજમાં વધુ સુરક્ષિત છો. તેમણે ઉમેર્યું હતું કે આવી વ્યવસ્થા વ્યાપકપણે ફેલાયેલી ખેતીની જમીનનું સંચાલન કરવા માટે પણ વ્યવહારુ હતી, જેના માટે પરિવારના સભ્યો તરફથી લાંબા ગાળાની સંભાળ અને શ્રમની જરૂર પડે છે.