ટોપ ન્યૂઝનેશનલ

Video: રાજસ્થાનમાંથી મળ્યું તુર્કીયેનું ડ્રોન, આ ખાસ કામમાં થાય છે ઉપયોગ…

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતે આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ભારતની કાર્યવાહીથી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતના શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા. ભારતની સેનાએ ડ્રોન હવામાં જ તોડી પાડ્યા હતા.

ક્યાંથી મળ્યું ડ્રોન
ભારતને તુર્કીયેનું એક ડ્રોન મળ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાન સરહદને અડીને આવેલા રાજસ્થાનના અનૂપગઢમાં મળ્યું હતું. તુર્કીયેનું આ ડ્રોન જ્યાં મળ્યું ત્યાંથી પાકિસ્તાન બોર્ડરનું અંતર માત્ર 12 કિલોમીટર છે. ખાસ વાત એ છે કે અનૂપગઢની એક નર્સરીમાં મળેલું પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલું તુર્કીયેનું આ ડ્રોન સલામત હાલતમાં મળ્યું હતું. આ ડ્રોનનો ઉપયોગ રિવર્સ એન્જિનિયરિંગમાં થાય છે.

સ્થાનિકોએ શું કહ્યું
સ્થાનિક લોકોનું કહેવું છે કે કદાચ તેની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી, તેથી તે લેન્ડ થઈ ગયું. ડ્રોનમાં વિસ્ફોટક પણ હતો. જેને સેનાએ ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાના કબજામાં લીધો હતો. હવે આ ડ્રોનનો ઉપયોગ રિવર્સ એન્જિનિયરિંગ માટે થઈ શકે છે. ડ્રોનને પુરાવા તરીકે પણ રાખી શકાય છે. મળેલી માહિતી અનુસાર અનૂપગઢના ગામ 12એમાં વન વિભાગની નર્સરીમાં સ્થાનિક ગ્રામજનોએ ડ્રોન જેવી વસ્તુ જોઈ તો તરત જ સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ અનૂપગઢના પોલીસ સ્ટેશનના અધિકારી ઈશ્વર જાંગિડે પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને બીએસએફને જાણ કરી હતી.

5-7 ફૂટ લાંબુ ડ્રોન, કેમેરા મોડ્યુલ તૂટેલું હતું. આ ડ્રોન 5 થી 7 ફૂટ લાંબુ હતું. જેનું કેમેરા મોડ્યુલ તૂટેલું અને અલગ હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે ડ્રોન જપ્ત કરી લેવામાં આવ્યું હતું. તેને ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક મહત્વને જોતા ત્યાં ડ્રોન જેવી વસ્તુ મળવી ગંભીર બાબત છે.

ઉલ્લેખનીય છે કે તુર્કીયે પાકિસ્તાનને મદદ કરતું હોવાનું સામે આવ્યા બાદ ભારતમાં બોયકોટ તુર્કીયે ઝુંબેશ વેગ પકડી રહી છે. લોકોએ ત્યાં પ્રવાસે જવાનું ટાળ્યું છે, ઉપરાંત ઘણી કંપનીએ કરાર પણ રદ્દ કર્યા છે.

આપણ વાંચો : આ ટ્રાવેલ અને બુકિંગ પ્લેટફોર્મે તુર્કી, અઝરબૈજાન, ચીન માટે બુકિંગ બંધ કર્યું; જાણો કારણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button