નેશનલ

ટનલ દુર્ઘટનાઃ એક જ જિલ્લાના છ મજૂરો ફસાયા છે, પરિવારજનો ખોઈ બેઠા છે સૂધબૂધ

ઉત્તરકાશીમાં સુરંગ દુઘર્ટના થઈ છે ત્યારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બે ગામમાં સોંપો પડી ગયો છે. દિવાળીની અહીં કોઈ ઉજવણી નથી થઈ અને અહીં પરિવારો એકબીજાને સાંત્વના આપે છે અને ઈશ્વરને પ્રાથર્ના કરે છે. પરિવારજનો રડી રડીને બેહાલ છે તો કોઈની નાનકડી છોકરી પપ્પાની રાહ જોઈ થાકી ગઈ છે. કોઈના દીકરાએ ભણતર મૂકી માતાની ખબર લેવા આવવું પડ્યું છે. કાળી મજૂરી કરી અમુક હજાર રૂપિયા કમાવવા ગયેલા આ ગામના દીકરાઓ 13 દિવસથી ટનલમાં ફસાયા છે.

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના મોતીપુર કાલા અને રાણીપુર ગામના છ મજૂર આ ટનલમાં ફસાયા છે. મોતીપુર કાલા અને રાણીપુર ગામના રહેવાસી સત્યદેવ, અંકિત, જયપ્રકાશ, સંતોષ, રામ મિલન અને રામ સુંદરના ઘરોમાં સતત ગમગીની છવાયેલી રહે છે. 12 નવેમ્બર બાદ આ પરિવાર હવે સૂધબૂધ કોઈ ચૂક્યો હોય તેમ જીવી રહ્યા છે.

મોતીપુર ગામના રાણીપુર મજરામાં રહેતા સત્યદેવ 12 નવેમ્બરથી સુરંગમાં ફસાયેલા છે. સત્યદેવના વૃદ્ધ પિતા કહે છે કે ગામમાં કોઈ રોજગાર નથી. વધુ કમાણી કરવા સત્યદેવ સુરંગમાં કામ કરવા ગયો. ત્યાં જૂના મજૂરોને 30થી 35000 રૂપિયા અને સત્યદેવ જેવા નવા મજૂરોને 25થી 26 હજાર રૂપિયા મળે છે. જો મજૂરો બે-ત્રણ મહિના રહે અને કામ કરે તો તેઓ ઘરે પૈસા મોકલી શકે છે. સત્યદેવનો પુત્ર દિવ્યાંશ નજીકની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે પરંતુ તેના પિતા સુરંગમાં ફસાયા હોવાથી તે હોસ્ટેલ છોડીને તેની માતા અને દાદીની સંભાળ લેવા ઘરે આવ્યો છે. જ્યારે સત્યદેવે સુરંગમાં રહીને પણ તેના પુત્ર સાથે વાત કરી તો તેણે તેને શાળાએ જતા રહેવાનું કહ્યું. પરંતુ પુત્ર તેની માતા અને દાદીને આવી હાલતમાં મૂકીને જઈ શકે તેમ નથી. હવે તે એમ પણ કહે છે કે પપ્પા આવશે તો તેમને મળ્યા પછી જ હોસ્ટેલ પાછો જઈશ. તે પણ હિંમત કઠી કરી રહ્યો છે.


સત્યદેવના ઘરની નજીક સુરંગમાં ફસાયેલા અન્ય એક મજૂર રામમિલનનું ઘર છે. રામમિલનની પત્નીની હાલત ખરાબ છે. 12 નવેમ્બરે જ્યારે પતિના સુરંગમાં ફસાઈ ગયાના સમાચાર મળ્યા ત્યારે પત્ની બેભાન થઈ ગઈ હતી અને તેની તબિયત બગડી હતી. ડોક્ટરે દવા આપી છે. દીકરો અને દીકરી પણ માનું ધ્યાન રાખે છે પણ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ દવાની કોઈ અસર થતી નથી અને તેની તબિયત લથડતી જાય છે.

આ સિવાય સંતોષ રામચંદ્ર ઉપરાંત જયપ્રકાશ અને અંકિતના પરિવારજનો પણ આ રીતે રડી રહ્યા છે. અંકિતની પત્ની રડતી રહે છે જ્યારે તેની માતા પૌત્રીને ખોળામાં રાખી ભગવાનને પ્રાર્થના કરે છે. જ્યારે નાનકડી દીકરી પપ્પા વિશે પૂછે છે ત્યારે માતા માત્ર એટલું જ કહે છે કે પાપા જલ્દી આવશે પરંતુ ક્યારે આવશે તેનો જવાબ કોઈ પાસે નથી.

મોતીપુર ગામના રહેવાસી સંતોષ અને રામસુંદરનો પરિવાર પણ તેમની રાહ જોઈ રહ્યો છે. વૃદ્ધ દાદી, માતા, બહેન, કાકી અને પત્ની બધા સંતોષ સુરંગમાંથી સલામત રીતે બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છે. પરિવારનો નાનો પુત્ર ઉત્તર કાશીમાં તે જ જગ્યાએ છે જ્યાંથી બચાવ કામગીરી ચાલી રહી છે. પરિવારના જમાઈ અને બીજા પિતરાઈ ભાઈ પણ અહીં જ કામ કરે છે, પરંતુ તે દિવસે સંતોષની શિફ્ટ હતી આથી તે ફસાઈ ગયો.

સંતોષની પડોશમાં રહેતો રામ સુંદર પણ તે મજૂરોમાં સામેલ છે જેઓ છેલ્લા 13 દિવસથી સુરંગમાં ફસાયેલા છે. રામ સુંદરના મોટા ભાઈ અને માતા રાહ જોઈ રહ્યા છે. આ તમામ પરિવારો માટે તેમના સ્વજનો પાછા આવે ત્યારે જ દિવાળી છે, બાકી હાલમાં તો અંધારૂ તેમને ઘેરી વળ્યું છે ત્યારે તેમને આપણા સૌની પ્રાર્થનાની જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button