શેરબજારમાં સુનામી, સેન્સેક્સ 1700 અંક તૂટ્યો, નિફ્ટી પણ ધડામ

પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે આજે ગુરુવારે શેરબજારના કારોબારમાં મુખ્ય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો. રોકાણકારોએ એક જ ઝાટકે રૂ. 6 લાખ કરોડ ગુમાવ્યા હતા.
શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેનું કારણ મધ્યપૂર્વમાં ઇરાન-ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ માનવામાં આવી રહ્યું છે. આ બંને દેશો વચ્ચેના તણાવના જિયો-પોલિટિકલ ટેન્શનના કારણે વૈશ્વિક બજારોમાં રોકાણકારોનું ટેન્શન વધી ગયું છે. ઇરાને બંને દેશોના તણાવને વધુ ભડકાવવા ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો હતો, જેને કારણે ક્રુડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ હતા, પણ આજે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે તેમાં ઇરાન-ઇઝરાયલના જંગની અસર જોવા મળી હતી.
આજે શેરબજારમાં આવેલા ભારે ઘટાડાને લીધે રોકાણકારોને ભારે નુક્સાન થયું છએ. બૉમ્બે સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 5.63 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બીએસઇ સેન્સેક્સ અગાઉના 84,266ના બંધ ભાવની સરખામણીએ 83,270 પર ખુલ્યો હતો.
સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે સેન્સેક્સ 1782.80 પોઇન્ટ તૂટીને 82,483.49 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટીએ પણ ઘટાડો ચાલુ રાખ્યો છે અને 530.90 પોઇન્ટ તૂટીને 25,266 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
મંગળવારે ઇરાને લગભગ 180 મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલો કર્યો, તેના પછી ઇઝરાયલે ચેતવણી આપીને વળતો હુમલો કરવાની જાહેરાત કરી હતી. શેરબજારમાં હવે એ જ ડર છે કે ઇઝરાયલ શું પગલાં લેશે.
Also Read –