ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: ભારતની વિદેશ નીતિ અને અર્થતંત્ર પર સવાલો, કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર | મુંબઈ સમાચાર

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: ભારતની વિદેશ નીતિ અને અર્થતંત્ર પર સવાલો, કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી નાખી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ટેરિફની વિગતોની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની જાહેરાત બાદ ભારતમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકાર પર વિદેશ નીતિ અંગે કોંગ્રેસ સવાલો કરી રહી છે. એટલું જ નહીં, પરંતુ ભારતની વિદેશ નીતિ નિષ્ફળ રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

મોદીની ‘દોસ્તી’નું પરિણામ આજે દેશ ભોગવે છે

કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકારની ટીકા કરતા પોસ્ટમાં લખ્યું કે, ‘ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે અને સાથે દંડ પણ લગાવ્યો છે. નરેન્દ્ર મોદીની ‘દોસ્તી’નું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. મોદીએ ટ્રેમ્પને પ્રચાર કર્યો અને ગળે પણ મળ્યાં હતા. ફોટો પડાવીને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયાં હતા. તેમ છતાં ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવી દીધો છે. ભારતની વિદેશનીતિ સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે’. અમેરિકાએ 25 ટકા ટેરિફની જાહેરાત કરી તે ભારત માટે ખરેખર ચિંતાનો વિષય છે. તે મામલે કેન્દ્ર સરકારે વિચાર કરવાની જરૂર છે.

આ ટેરિફ ભારતની અર્થવ્યવસ્થા માટે વિનાશકારી

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતેએ પણ એક્સ પર એક પોસ્ટ કરીને સરકાર પર વા્ક પ્રહારો કર્યાં છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘આ દેશની અર્થવ્યવસ્થા માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. રશિયા પાસેથી તેલ અને હથિયાર ખરીદવા માટે અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ સાથે દંડ પણ ફટકાર્યો છે’. કોંગ્રેસના અનેક નેતાઓએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન પર આક્ષેપો કર્યાં છે. સુપ્રિયાએ કહ્યું કે, મોદીએ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો હતો. ‘નમસ્તે ટ્રમ્પ’, ‘હાઉડી મોદી’ અને ‘અબકી બાર ટ્ર્મ્પ સરકાર’થી ભારતને શું પ્રાપ્ત થયું? વધુમાં લખ્યું કે, ‘આ ટેરિફના કારણે ભારતના અર્થતંત્ર, આપણા સ્થાનિક ઉદ્યોગ, આપણી નિકાસ અને રોજગાર પર દૂરગામી પરિણામો આવશે’.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટેરિફ અંગે જાણકારી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, ‘યાદ રાખો, ભારત અમારો મિત્ર છે, ત્યારે આપણે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ઘણા ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

ભારત હંમેશાં રશિયા પાસેથી જ લશ્કરી સાધનોની ખરીદી કરી છે. ભારત દેશ ચીન સાથે રશિયાના ઊર્જાના સૌથી મોટો ખરીદદાર છે, અત્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાકાંડ બંધ કરે, આ બધું સારું નથી! તેથી આ બાબતો માટે ભારતે પહેલી ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને દંડ ચૂકવવો પડશે’.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button