
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક નવા નિર્ણય લઈને સતત ચર્ચામાં છે. સૌથી પહેલા ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહી, ટેરિફની ધમકીઓ બાદ હવે અમેરિકા દ્વારા ચાબહાર બંદર માટે 2018માં આપવામાં આવેલી છૂટ રદ કરી દેવામાં આવી છે, જેની ભારત પર અસર પડી શકે છે, આ મામલાથી સંબંધિત જાણકારોએ આ દાવો કર્યો છે. આ નિર્ણય 29 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.
ચાબહાર બંદરગાહ પર અસર
અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય ઉપ પ્રવક્તા થોમસ પિગોટના જણાવ્યા અનુસાર, અમેરિકી વિદેશ પ્રધાને અફઘાનિસ્તાન પુનર્નિર્માણ મદદ અને આર્થિક વિકાસ માટે ઈરાન સ્વતંત્રતા અને પરમાણુ પ્રસાર-રોધી અધિનિયમ (IFCA) હેઠળ 2018માં જારી કરાયેલી પ્રતિબંધ છૂટને રદ કરી છે.
આ છૂટ રદ થવાથી ચાબહાર બંદરનું સંચાલન કરનારા અથવા સંબંધિત ગતિવિધિઓમાં સામેલ લોકો પર પ્રતિબંધ લાગી શકે છે. આ નિર્ણય રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાની શાસનને અલગ કરવા માટે મહત્તમ દબાણ લાવવાની નીતિને અનુરૂપ છે.
ભારત પર શું થશે અસર?
આ નિર્ણયની ભારત પર પણ અસર પડશે, કારણ કે ભારત ઓમાનની ખાડી પર સ્થિત ચાબહાર બંદરના એક ટર્મિનલના વિકાસમાં સામેલ છે. ભારત પહેલીવાર કોઈ વિદેશી બંદરના સંચાલનની જવાબદારી લઈ રહ્યું છે. ભારત સરકારે 13 મે 2024ના રોજ બંદરગાહના સંચાલન માટે 10 વર્ષનો કરાર કર્યો હતો.
ભારત દ્વારા 2003માં ચાબહાર બંદરના વિકાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેથી ભારતીય માલને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પરિયોજનાથી પાકિસ્તાનને બાકાત રાખીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચાડી શકાય.
હાલમાં, આ બંદરનું સંચાલન ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ કરે છે, જ્યારે તેની માલિકી ઈરાનના પોર્ટસ એન્ડ મરીટાઈમ ઓર્ગેનાઈઝેશન પાસે છે. આ નવા પ્રતિબંધો લાગુ થવાથી આ સમગ્ર પ્રક્રિયા પર અસર થવાની સંભાવના છે.
આ પણ વાંચો…ટેરિફ વિવાદ બાદ અમેરિકામાં ભારતની નિકાસ ઘટી, સોનાની આયાતમાં પણ ઘટાડો…