પાક. PM શરીફની હાજરીમાં ટ્રમ્પે કર્યા મોદીના વખાણ! કહ્યું: "ભારત મહાન દેશ" | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

પાક. PM શરીફની હાજરીમાં ટ્રમ્પે કર્યા મોદીના વખાણ! કહ્યું: “ભારત મહાન દેશ”

શર્મ અલ-શેખ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મિસ્રમાં આયોજિત ગાઝા શાંતિ શિખર સંમેલન દરમિયાન ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો સીધો ઉલ્લેખ કર્યા વિના તેમના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું, “ભારત એક મહાન દેશ છે, જેનું નેતૃત્વ મારા ખૂબ સારા મિત્ર કરી રહ્યા છે.” ટ્રમ્પનું આ નિવેદન ગાઝામાં ઇઝરાયલ-હમાસ વચ્ચે લગભગ ૨ વર્ષથી ચાલી રહેલા યુદ્ધવિરામ પરની સહમતિ બાદ આવ્યું છે.

પાકિસ્તાનની હાજરીમાં ભારતની પ્રશંસા

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ટ્રમ્પની પાછળ ઊભા હતા ત્યારે જ ટ્રમ્પે ભારતને સંબોધિત કર્યું. તેમણે કહ્યું: “ભારત મહાન દેશ છે અને મારા ખૂબ સારા મિત્ર તેનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે શાનદાર કામ કર્યું છે. મને લાગે છે કે પાકિસ્તાન અને ભારત સાથે મળીને ખૂબ સારી રીતે રહેશે.” આ પહેલા ટ્રમ્પે શરીફ અને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરની પણ પ્રશંસા કરી હતી અને શરીફને સંબોધન માટે આમંત્રિત કર્યા હતા.

ટ્રમ્પનો દાવો: “મેં અત્યાર સુધી ૮ યુદ્ધ રોક્યા”

ગાઝા શાંતિ સંમેલનમાં ટ્રમ્પે પોતાની જાતને શાંતિદૂત તરીકે રજૂ કરતા મોટો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમણે અત્યાર સુધી ૮ યુદ્ધો રોક્યા છે. તેઓ અગાઉ ભારત-પાકિસ્તાન વિવાદ સહિત સાત વિવાદો ઉકેલવાનો દાવો કરતા હતા, જેમાં હવે ઇઝરાયલ-ગાઝા વિવાદ જોડીને આ સંખ્યા ૮ થઈ ગઈ છે. નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા અંગે તેમણે કહ્યું કે, “મેં અત્યાર સુધી ૮ યુદ્ધ રોક્યા છે. આવું કરવું સન્માનની વાત છે. મેં લાખો લોકોનો જીવ બચાવ્યો છે.”

શરીફના સંબોધન બાદ મજાક

શહબાઝ શરીફના સંબોધન પછી ટ્રમ્પ ફરી પોડિયમ પર આવ્યા અને તેમના ભાષણને શાનદાર ગણાવ્યું. સાથે જ તેમણે મજાકમાં કહ્યું કે, “હવે કહેવા જેવું કંઈ બાકી નથી, ચાલો ઘરે જઈએ.”

આ પણ વાંચો…ભારત વિરુદ્ધ ઝેર ઓંકનારા મુનીર બન્યા ટ્રમ્પના ‘ફેવરિટ’- ગાઝા શાંતિ સંમેલનમાં કર્યા વખાણ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button