ટ્રમ્પ નરમ પડશેઃ અમેરિકા દ્વારા ભારત પર લગાવેલ 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ હટશે?

નવી દિલ્હીઃ પહેલી ઓગસ્ટથી ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ અન્ય દેશો કરતા વધારે હતો. પરંતુ ત્યાર બાદ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો હવાલો આપીને અમેરિકા દ્વારા વધારાનો 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં બંને દેશ વચ્ચે વાટાઘાટ પણ ચાલી રહી છે, જ્યારે એના અંગે તાજેતરમાં નવું ડેવલપમેન્ટ આવ્યું છે. કુલ 50 ટકા ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો હતો, પરંતુ ભારતના મુખ્ય આર્થિક સલાહકારે 25 ટકા દંડાત્મક ટેરિફને લઈને મહત્ત્વની વાત કરી છે.
25 ટકા ટેરિફ હટશે
કોલકાતાના મર્ચન્ટ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં CEA નાગેશ્વરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, “25 ટકા રેસિપ્રોકલ ટેરિફ અને 25 ટકા દંડાત્મક ટેરિફ બંને અનપેક્ષિત હતા. મને હમણા પણ એવું લાગે છે કે, ભૂરાજકીય પરિસ્થિતિઓના કારણે વધારાનો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હશે. પરંતુ પાછલા કેટલાક અઠવાડિયાનો ઘટનાક્રમ જોતા, મારી એવી ધારણા છે કે 30 નવેમ્બર પછી દંડાત્મક ટેરિફ રહેશે નહીં.
આ પણ વાંચો : ટેરિફ વાર વચ્ચે પણ ટ્રમ્પને આ સેક્ટરમાં ઝૂકવું પડશે, કારણ શું છે જાણી લો?
મને વિશ્વાસ છે કે, આગામી કેટલાક મહિનાઓમાં દંડાત્મક ટેરિફ અને આશા છે કે પારસ્પરિક ટેરિફનું સમાધાન પણ આવી જશે. નાગેશ્વરને ભારતની નિકાસ વૃદ્ધિ વિશે જણાવ્યું કે, “હાલ વાર્ષિક એક્સપોર્ટ ગ્રોથ 850 અબજ ડૉલર છે, જે 1 ટ્રિલિયન યૂએસ ડૉલર સુધી પહોંચવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તે દેશની GDPના 25 ટકા છે, જે સ્વસ્થ અનને મુક્ત અર્થવ્યવસ્થાનો સંકેત આપે છે.”
ભારતની કેટલીક વસ્તુઓ ટેરિફથી બાકાત
જોકે, મોટાભાગના ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. પરંતુ ભારતની કેટલીક વસ્તુઓને 50 ટકા ટેરિફમાંથી બાકાત રાખી છે. જેમાં લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયયમ, વાહન, પાર્ટ્સ અને તાંબાના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ટ્રમ્પનો ટેરિફ પ્લાન અમેરિકાને ભારે પડશે! અમેરિકનોએ ખરીદી માટે માર્કેટ માથે લીધું!
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સાઉથ અને મીડલ ઈસ્ટ એશિયાના બિઝનેસ પ્રતિનિધિ બ્રેંડન લિંચ અમેરિકા તરફથી દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માટે ચીફ નેગોશિએટર તરીકે નવી દિલ્હી ખાતે આવ્યા હતા. જેમણે આજે ભારતના એડિશનલ સેક્રેટરી રાજેશ અગ્રવાલ સાથે બેઠક કરી હતી. અમેરિકાના દૂતાવાસ દ્વારા જણાવ્યાનુસાર આ બેઠક 7 કલાક સુધી ચાલી હતી. જે સકારાત્મક રહી હતી. અમેરિકાએ 50 ટકા ટેરિફ લાદ્યા બાદ અમેરિકાના કોઈ ઉચ્ચ પદ પર બિરાજમાન વેપાર અધિકારીનો આ પહેલો પ્રવાસ હતો.