ઈરાન પર ટ્રમ્પનો ‘ટેરિફ બોમ્બ’: ભારત પર કેવી અને કેટલી અસર થશે? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આર્થિક રીતે ઘેરવા માટે એક મોટી જાહેરાત કરી છે. ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લાદવાના આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો છે. ચીન અને યુએઈની સાથે ભારત પણ ઈરાનના મુખ્ય વ્યાપારી ભાગીદારોમાં સામેલ હોવાથી, ભારતીય નિકાસકારોમાં ચિંતા જોવા મળી રહી હતી. જોકે, આ બાબતે ભારત સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. મોદી સરકારે દેશના નિકાસકારોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે અમેરિકાના આ પગલાની ભારત પરની અસર અત્યંત મર્યાદિત રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ, ભારત અને ઈરાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર અન્ય મોટા દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. નાણાકીય વર્ષ 2024-25માં ઈરાન સાથેનો કુલ વેપાર માત્ર 1.68 અબજ ડોલર રહ્યો હતો, જેમાં ભારતની નિકાસ 1.24 અબજ ડોલર હતી. ભારતના ટોચના વ્યાપારી ભાગીદારોની યાદીમાં ઈરાન 63મા ક્રમે આવે છે. તુલનાત્મક રીતે જોઈએ તો, તાન્ઝાનિયા અને સેનેગલ જેવા નાના દેશો સાથે પણ ભારતનો વેપાર ઈરાન કરતા વધુ છે. આથી, 25% ટેરિફ લાદવા છતાં ભારતના એકંદર અર્થતંત્ર પર કોઈ મોટું જોખમ દેખાતું નથી.
ભારત અને ઈરાન વચ્ચેના વેપાર પર નજર કરીએ તો, ભારત મુખ્યત્વે બાસમતી ચોખા, ચા, ખાંડ અને દવાઓની નિકાસ કરે છે. તેની સામે ઈરાનથી સફરજન, પિસ્તા, ખજૂર, કીવી અને કાચના વાસણોની આયાત કરવામાં આવે છે. ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર અમેરિકા પોતે જ છે, જેની સાથે 132 અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. ત્યારબાદ ચીન, યુએઈ અને રશિયા જેવા દેશો આવે છે. ઈરાન સાથેના મર્યાદિત આર્થિક સંબંધોને કારણે અમેરિકાના આ આકરા વલણથી ભારતને મોટું નુકસાન થવાની સંભાવના નહિવત છે.
જોકે, કેટલાક ચોક્કસ ક્ષેત્રોમાં ટૂંકા ગાળાની અસર પડી શકે છે, ખાસ કરીને બાસમતી ચોખાના નિકાસકારો માટે. ભારત દર વર્ષે ઈરાનને આશરે 12 લાખ ટન બાસમતી ચોખા મોકલે છે, જે અંદાજે 12000 કરોડ રૂપિયાનો વેપાર છે. ઈરાન તેની ચોખાની કુલ આયાતનો બે-તૃતીયાંશ હિસ્સો ભારત પાસેથી ખરીદે છે. પરંતુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે ભારતીય નિકાસકારોએ છેલ્લા દાયકામાં આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં નવા બજારો શોધી લીધા છે. બજારોનું આ વૈવિધ્યીકરણ કોઈ એક દેશ પરની નિર્ભરતા ઘટાડે છે, જે ભારત માટે રક્ષણાત્મક કવચ સમાન છે.
આપણ વાંચો: ઇઝરાયલ હવે યુએસના પગલે! UN ની એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંબંધો તોડ્યા



