ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પે આપ્યા સંકેત, જાણો કેટલો ટેરિફ લગાવી શકે છે?

નવી દિલ્હી: અમેરિકામાં જ્યારેથી ટ્રમ્પની સરકાર આવી છે, ત્યારથી જ ટેરિફને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રમ્પે અનેક દેશોને પત્ર લખી ટેરિફ લગાવવાની જાણ કરી હતી. વિવિધ દેશો માટે તેણે અલગ અલગ ટેરિફના દરો નક્કી કર્યા છે. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ હાલ સુધી થઈ નથી. તેમણે તાજેતરમાં કેનડા પર 35% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જ્યારે ભારત પર 10થી 20 ટકા સુધીની ટેરિફ લગાવવાની અટકળો ચાલી રહી છે.
ટ્રમ્પની ટેરિફ નીતિ
ટ્રમ્પે કેનડા પર 35% ટેરિફ લગાવવાનું કારણ તેના ‘અનુચિત વેપાર’ અને ફેન્ટાનિલ સંકટને નિયંત્રિત કરવાની નિષ્ફળતા ગણાવ્યું. આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થશે. તેમણે ચેતવણી આપી કે કેનડાની કંપનીઓ થર્ડ પાર્ટીથી વેપાર કરવાનો પ્રયાસ કરશે તો પણ 35 ટકા ટેરિફ ચૂકવવી પડશે. ભારત માટે ટ્રમ્પે સંકેત આપ્યો કે વેપાર સમજૂતી થશે તો ટેરિફ 15-20%ની રેન્જમાં રહેશે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે “અમે હાલમાં અન્ય દેશો પર પણ ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છીએ, પરંતુ અમારા વેપાર ભાગીદારો પર, આ ટેરિફ ફક્ત 15 થી 20 ટકા હશે.” આ નિવેદન બાદ અટકળો ચાલી રહી છે કે, અમેરિકા ભારત પર 20 ટકા કે તેનાથી નીચે લગાવી શકે છે.
ભારત-અમેરિકા વેપાર ચર્ચા
ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર સમજૂતી ખેતી, ઓટોમોબાઈલ અને ડેરી ક્ષેત્રોમાં અટકી છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત આ ક્ષેત્રોમાં ટેરિફ ઘટાડે, પરંતુ ભારત રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રહ્યું છે. ભારતીય પ્રતિનિધિઓ ટૂંક સમયમાં વોશિંગ્ટન જઈને આ બાબતે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતની માંગ છે કે ટેરિફ 10%થી ઓછું રહે અને અમેરિકા નાના ભારતીય વ્યવસાયો માટે બજાર ખોલે.
ભારત-અમેરિકા વેપાર સમજૂતી ભારત માટે ફાયદાકારક રહેશે. 2022-23માં ભારતે અમેરિકાને 6.84 લાખ કરોડની નિકાસ કરી, જ્યારે 2023-24માં 6.75 લાખ કરોડનું વેચાણ થયું. આયાત 2022-23માં 4.43 લાખ કરોડ અને 2023-24માં 3.67 લાખ કરોડ હતી. ચીન પર ઊંચા ટેરિફને કારણે અમેરિકી કંપનીઓ ચીનના વિકલ્પ તરીકે ભારત તરફ વળી રહી છે, જે ભારતીય વ્યવસાયો માટે નવી તકો ખોલશે.
આ પણ વાંચો…ટ્રમ્પની નવી ટેરિફ યાદી જાહેર; અમેરિકાએ 20 દેશોને પાઠવ્યા ટેરિફ પત્રો, ભારતને મળી રાહત