‘350 ટકા ટેરિફની ધમકીથી મોદી-શરીફે મને ફોન કર્યો’: ટ્રમ્પનો ભારત-પાક યુદ્ધ અટકાવવા વિશે નવો દાવો

ન્યૂયોર્ક/ વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમણે બંને દેશો પર 350 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે તેઓ યુદ્ધ કરવા જઈ રહ્યા નથી. જોકે, ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશે મધ્યસ્થી કરી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે 60થી વધુ વખત આ દાવાઓ પુનરાવર્તન કર્યું હતું. તેમણે આ વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને “ઉકેલવામાં” મદદ કરી હતી જ્યારે ભારતે સતત કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે હું ઝઘડાઓ ઉકેલવામાં સારો છું અને હંમેશાથી રહ્યો છું. મે છેલ્લા કેટલાક વર્ષોમાં, આ પહેલા પણ, તેમાં ખૂબ સારું કામ કર્યું છે. હું અલગ અલગ યુદ્ધો અંગે વાત કરી રહ્યો છું. ન્યૂક્લિયર શસ્ત્રો ધરાવતા ભારત અને પાકિસ્તાન લડવાના હતા પરંતુ મે તેમની વચ્ચે ઉકેલ કરાવ્યો હતો.
આ પણ વાંચો: આકરા ટેરિફનો પડ્યો અમેરિકાને જ માર: આટલી વસ્તુઓ પર ટ્રમ્પે લીધો ટેરિફ હટાવવાનો નિર્ણય
તેમણે બંને પડોશીઓને કહ્યું હતું કે તેઓ લડી શકે છે, પરંતુ તેઓ દરેક દેશ પર 350 ટકા ટેરિફ લાદી રહ્યા છે. આ કાર્યક્રમમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ હાજર હતા. નોંધનીય છે કે અમેરિકા-સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે કોઈપણ દેશનો કોઈ રાષ્ટ્રપતિ આવું કરતો નથી. મે આ તમામ યુદ્ધના ઉકેલ માટે ટેરિફનો ઉપયોગ કર્યો છે. વિશ્વના આઠ યુદ્ધમાંથી પાંચ યુદ્ધ ટેરિફના કારણે ઉકેલાયા હતા.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન બંન્નેએ તેમને એમ ન કરવા કહ્યુ હતું. ટ્રમ્પે કહ્યું કે, હું આ કરવા જઈ રહ્યો છું. મારી પાસે પાછા આવો અને હું તેને ખત્મ કરી દઈશ પરંતુ હું ઈચ્છીશ નહીં કે તમે એકબીજા પર ન્યુક્લિયર હથિયાર ફેંકો, લાખો લોકોને મારો અને લોસ એન્જલસ પર ન્યુક્લિયરની અસર થાય. ટ્રમ્પે પછી કહ્યું કે તેઓ “તૈયાર” છે અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટને કહ્યું હતું કે તેઓ (સંઘર્ષ) ઉકેલવા માટે 350 ટકા ટેરિફ લગાવશે અને જો દેશો યુદ્ધ બંધ કરે છે તો આપણે એક ટ્રેડ ડીલ કરીશું, કારણ કે તેઓ ટ્રેડ ડીલ માટેની વાતચીત કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું અમે ટેરિફ….
તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમને ફોન કરીને લાખો લોકોના જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો. ટ્રમ્પે ફરી દાવો કર્યો હતો કે તેમને “વડા પ્રધાન મોદીનો ફોન આવ્યો હતો અને કહ્યું કે ‘અમારું કામ પૂરું થઈ ગયું છે’. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે મોદીએ જવાબ આપ્યો કે અમે યુદ્ધ કરવા જઈ રહ્યા નથી. ટ્રમ્પે કહ્યું કે તેમણે પછી મોદીનો આભાર માન્યો અને કહ્યું, “ચાલો એક ડીલ કરીએ.” ટ્રમ્પે એક દિવસ પહેલા પણ ઓવલ ઓફિસમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની સહમતિ દસમી મેના થઈ
નોંધનીય છે કે 10, મેથી જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે ભારત અને પાકિસ્તાન વોશિંગ્ટન દ્વારા મધ્યસ્થી કરાયેલી વાટાઘાટો પછી “તાત્કાલિક” યુદ્ધવિરામ માટે સંમત થયા છે. જોકે ભારતે ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની સહમતિ 10, મેના બંને સૈન્યના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સીધી વાતચીત બાદ થઈ હતી.



