ટ્રુડોની પાર્ટી નવમી માર્ચે કેનેડાના નવા પીએમનું નામ જાહેર કરશે, કોણ છે મેદાનમાં?
ટોરન્ટોઃ કેનેડાની સત્તારૂઢ લિબરલ પાર્ટીના જસ્ટિન ટ્રુડોએ આ અઠવાડિયે રાજીનામું આપી દીધું છે. હવે જસ્ટિન ટ્રુડોની પાર્ટીના નેતૃત્વ માટે મતદાન થયા પછી ૯ માર્ચે દેશના આગામી વડા પ્રધાનનું નામ જાહેર કરશે, એવી માહિતી પાર્ટીના નેતાઓએ આપી હતી.
નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો દેશના વડા પ્રધાન રહેશે. લિબરલ તરફથી નવા વડા પ્રધાનની રેસમાં ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર માર્ક કાર્ની અને ભૂતપૂર્વ નાણા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડનું નામ સૌથી આગળ છે.
લિબરલ પાર્ટી ઓફ કેનેડાના પ્રમુખ સચિત મહેરાએ એક નિવેદનમાં જણાવ્યું કે એક મજબૂત અને સુરક્ષિત રાષ્ટ્રવ્યાપી પ્રક્રિયા પછી કેનેડાની લિબરલ પાર્ટી ૯ માર્ચે નવા નેતાની પસંદગી કરશે અને ૨૦૨૫ની ચૂંટણી લડવા અને જીતવા માટે તૈયાર રહેશે. ટ્રુડોએ સોમવારે પોતાના પક્ષ અને દેશ બંનેના સમર્થનમાં સતત ઘટાડાનો સામનો કર્યા પછી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
આપણ વાંચો: કેનેડા અમેરિકાનું રાજ્ય બનશે! ટ્રમ્પના પ્રસ્તાવનો જસ્ટિન ટ્રુડોએ જવાબ આપ્યો
ફ્રીલેન્ડ કેનેડાના ભૂતપૂર્વ નાણા પ્રધાન છે અને જ્યારે યુએસ, કેનેડા અને મેક્સિકો વચ્ચે પ્રથમ ટ્રમ્પ શાસન દરમિયાન મુક્ત વેપાર કરાર થયો હતો ત્યારે તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફ્રીલેન્ડને ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેણી ભૂતપૂર્વ પત્રકાર છે. યુક્રેનિયન મૂળના ફ્રીલેન્ડ રશિયા અને યુક્રેન યુદ્ધમાં યુક્રેનના સમર્થક રહ્યા છે.
તો વળી કોર્ની બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર છે. તેઓ આ પ્રતિષ્ઠિત બેંકના પહેલા વિદેશી ગવર્નર હતા. કોર્નીએ કેનેડાની સેન્ટ્રલ બેંકના વડા તરીકે પણ સેવા આપી હતી.
આપણ વાંચો: ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કહ્યા, પાગલ ડાબેરી, જાણી લો કારણ?
વર્ષ ૨૦૦૮ની નાણાકીય કટોકટીમાંથી કેનેડાને અન્ય દેશોની સરખામણીએ ઝડપથી ઉગારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોર્ની એક ઉચ્ચ શિક્ષિત અર્થશાસ્ત્રી છે. તેમણે યુકેના બ્રેક્ઝિટથી અલગ થવાના કિસ્સામાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી હતી. જો કે તેમની પાસે રાજકીય અનુભવનો અભાવ છે.
લિબરલ પાર્ટીએ જણાવ્યું કે વડા પ્રધાન પદની ચૂંટણી લડવા માટે ફી ૩,૫૦,૦૦૦ કેનેડિયન ડોલર (૨,૪૩,૦૦૦ ડોલર) હશે અને ઉમેદવારોએ ૨૩ જાન્યુઆરી સુધીમાં તેની જાહેરાત કરવી પડશે. પાર્ટીએ કહ્યું કે પાર્ટીના નેતૃત્વ માટે મતદારો કેનેડિયન નાગરિક અથવા કાયમી રહેવાસી હોવા જોઇએ.