દિલ્હીમાં કૃત્રિમ વરસાદ માટેના ટ્રાયલ નિષ્ફળ; IIT કાનપુરે આપ્યું આવું કારણ, BJP સરકાર સામે સવાલ...
Top Newsનેશનલ

દિલ્હીમાં કૃત્રિમ વરસાદ માટેના ટ્રાયલ નિષ્ફળ; IIT કાનપુરે આપ્યું આવું કારણ, BJP સરકાર સામે સવાલ…

દિલ્હી: શહેરમાં વધી રહેલા વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદ કરાવવાની યોજના બનાવી છે, જેના માટે IIT કાનપુર સાથે MoU કરવામાં આવ્યા છે. ગઈ કાલે આ કૃત્રિમ વરસાદ માટે ક્લાઉડ સીડિંગ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું, જયારે દિલ્હીના પર્યાવરણ પ્રધાને ટ્રાયલ સફળ રહી હોવાનું જણાવ્યું હતું, જેના કારણે રાજકારણ ગરમાયું છે.

ગઈ કાલે એક નાનું, સિંગલ-પ્રોપેલર વિમાન ઉત્તરપશ્ચિમ દિલ્હી અને NCRના કેટલાક વિસ્તારો પરથી ઉડ્યું હતું અને બે ક્લાઉડ સીડિંગ ટ્રાયલ્સ હાથ ધર્યા હતાં. વિમાને વાદળોમાં સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ સંયોજનો છોડ્યા હતાં પરંતુ વરસાદ થઇ શક્યો ન હતો.

અહેવાલ મુજવ વિમાને બુરારી અને આસપાસના વિસ્તારો, મયુર વિહાર અને નોઈડા પર વાદળોમાં બંને ટ્રાયલ મળીને સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ સંયોજનોના 16 ફ્લેઈર છોડ્યા હતાં.

પર્યાવરણ પ્રધાન ટ્રાયલ સફળ ગણાવી!
આ ટ્રાયલ નિષ્ફળ રહ્યા બાદ બાદ દિલ્હીના પર્યાવરણ પ્રધાન મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું, “વાયુ પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે દિલ્હીએ ક્લાઉડ સીડિંગને એક સાધન તરીકે અપનાવીને એક અભૂતપૂર્વ પગલું ભર્યું છે, અમે સાયન્સ-ફર્સ્ટમાં માનીએ છીએ. અમારું ધ્યાન દિલ્હીમાં ભેજની સ્થિતિમાં કેટલો વરસાદ થઈ શકે છે, તેનું મૂલ્યાંકન કરવાનું છે. દરેક ટ્રાયલથી શિયાળા અને આખા વર્ષ દરમિયાન અમારે કેવા કર્યો કરવા એનું માર્ગદર્શન મળે છે.”

AAPના ભાજપ સરકારને સવાલ:
કૃત્રિમ વરસાદ પાડવાના દિલ્હી સરકારના નિર્ણય મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સવાલ ઉઠાવ્યો કે જે દિવસે ભારતીય હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, દિલ્હી સરકારે એ દિવસે જ ટ્રાયલ કરવાના નિર્ણય કેમ કર્યો. તેમણે પૂછ્યું, “શું ભગવાન ઇન્દ્ર સ્પષ્ટ કરવા માટે નીચે આવશે કે આ કૃત્રિમ વરસાદ છે કે કુદરતી?”

મૂળ AAP સરકારની યોજના:
નોંધનીય છે, દિલ્હીમાં કૃત્રિમ વરસાદની યોજના મૂળ AAP સરકારની હતી, સૌપ્રથમ 2023 ના શિયાળામાં આ યોજનાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. ગત વર્ષે શિયાળા દરમિયાન AAP સરકારે ફરી આ યોજના માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કેન્દ્ર તરફથી તેને જરૂરી ફ્લાઈટ અને પર્યાવરણ સંબંધિત પરવાનગીઓ મળી ન હતી.

IIT કાનપુરે શું કહ્યું?
ટ્રાયલ બાદ IIT કાનપુરના ડિરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે ક્લાઉડ સીડિંગ ટ્રાયલ સંપૂર્ણપણે સફળ થયા ન હતાં, કારણ કે વાદળોમાં ભેજનું પ્રમાણ ઓછું હતું. તેમણે જણાવ્યું કે આ ટ્રાયલથી અમારી ટીમનો વિશ્વાસ વધુ મજબુત થયો છે અને અમે વધુ ટ્રાયલ હાથ ધરીશું.

મણીન્દ્ર અગ્રવાલે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ નથી, પરંતુ કટોકટી સમયનો ઉકેલ છે. ખૂબ જ વધારે પ્રદૂષણ હોય, ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button