કર્ણાટકમાં કરોડો રૂપિયાના વૃક્ષો કાપી નાખ્યા, ભાજપ સાંસદના ભાઇની ધરપકડ
બેંગલૂરુઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ભાજપના સાંસદ પ્રતાપ સિંહાનું નામ ચર્ચામાં આવ્યું હતું. હવે અન્ય એક મામલે તેમનું નામ ફરી પાછું ચર્ચામાં આવ્યું છે. હવે પ્રતાપ સિંહાના ભાઇ વિક્રમ સિંહાની કરોડો રૂપિયાના વૃક્ષો કાપી નાખવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કવોડે વિક્રમ સિંહાની ધરપકડ કરી હતી. હાલમાં વિક્રમને વન વિભાગની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
વિક્રમ સિંહ સામે કરોડો રૂપિયાની કિંમતના 126 વૃક્ષો કાપી નાખવાનો આરોપ છે. આ વૃક્ષો કર્ણાટકના હાસન જિલ્લામાં હતા. આ વૃક્ષોને કાપીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વન વિભાગ માટે આ મામલે દસ્તાવેજી પુરાવા છે. તેઓ વિક્રમ સિંહાની શઓધ કરી રહ્યા હતા, પણ મામલેની ગંભીરતા જોઇને વિક્રમ ઘરેથી ભાગી ગયો હતો. તેને શઓધવા માટે અધિકારઈઓએ ઇલેક્ટ્રીક સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. વન અધિકારીઓ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કવોડના સંયુક્ત ઑપરેશનમાં વિક્રમ સિંહાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને હસન જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે.
સંસદમાં સુરક્ષા ચૂકના મામલે ભાજપ સાંસદ પ્રતાપ સિંહા હાલમાં વિપક્ષના નિશાના પર જ છે, એવામાં તેમના ભાઇ વિક્રમ સિંહાના કરોડો રૂપિયાના વૃક્ષો કાપવાના કારનામાને કારણે તેમની સ્થિતિ કફોડી બની છે. વિપક્ષો સતત સવાલ કરી રહ્યા છે કે જ્યારે સંસદના 146 સાંસદોને સુરક્ષા ચૂક મુદ્દે કેન્દીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરવા બદલ અનિયંત્રિત વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પ્રતાપ સિંહા સામે હજી સુધી કાર્યવાહી કેમ કરવામાં નથી આવી.
જોકે, આ મામલે પ્રતાપ સિંહાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણીમાં લોકો નક્કી કરશે કે હું દેશભક્ત હતો કે દેશદ્રોહી! 2024ની લોકસભાની ચૂંટણીમાં મતદાન દ્વારા લોકો તેમનો ચુકાદો આપશે.