
નવી દિલ્હીઃ વર્ષો પહેલાં ભારતની લેજન્ડરી મહિલા રનર પીટી ઉષા સાથે એક રેસમાં દોડનાર સંગીતા કુમાર (SANGEETA KUMAR) નામની 42 વર્ષીય રનરના મકાન પર શુક્રવારે સવારે ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષ (TREE) પડ્યું હતું, પરંતુ 16થી 17 જણના તેના પરિવારના બધા લોકો બચી ગયા હતા. જોકે મકાનને ખૂબ ખરાબ નુકસાન થયું છે.
ખુદ સંગીતા બન્ને બાળકોને લઈને દોડીને મકાનની નીચે આવી ગઈ હતી અને બચી ગઈ હતી. તેણે દોડીને અન્ય પરિવારજનોને પણ બચાવ્યા હતા. તે નીચે આવી ત્યારે તેનો પતિ ક્રિષ્ન કુમાર મૂંઝાયેલી અને આઘાતમય હાલતમાં માથે હાથ દઈને બેઠો હતો અને સંગીતા બાળકોને તેમ જ બીજા પરિવારજનો સાથે તેની પાસે પહોંચી ગઈ હતી.
આ બનાવ શાહપુર જાટ નામના વિસ્તારમાં બન્યો હતો. સંગીતા અને તેના પરિવારજનોએ (FAMILY MEMBERS) મદદ માટે બૂમો પાડી હતી અને લોકો તેમની મદદે આવી ગયા હતા.
આ પણ વાંચો: વિનેશ ફોગાટના વજન વધવા માટે જવાબદાર કોણ? પીટી ઉષાએ આપ્યું સનસનાટીભર્યું નિવેદન
સંગીતા 1997 અને 1999માં જુનિયર સ્ટેટ ચૅમ્પિયનશિપમાં 100 મીટરની દોડમાં ચૅમ્પિયન બની હતી.
સંગીતા કુમારે પીટીઆઇને કહ્યું હતું કે `મને ડર હતો જ કે એક દિવસ આ મોટું ઝાડ તૂટી પડશે જ. અમારા મકાનની બાજુની સરકારી સ્કૂલમાં આ ઝાડ હતું જે ખૂબ ખરાબ થઈ ગયું હોવાથી એનું થડ અને તોતિંગ ડાળીઓ અમારા મકાન તરફ ઝૂકેલી હતી. એ ઝાડ કપાવી નાખવા અમે સ્કૂલના પ્રિન્સિપાલને અરજી કરી હતી, પણ તેમણે કહ્યું હતું કે હું આ ઝાડના એક પાંદડાને પણ હાથ નહીં અડાડું.’
સંગીતા કુમારના પરિવારજનો મકાનને ભારે નુકસાન થતાં રસ્તા પર આવી ગયા છે.
સંગીતા માટે નાનપણથી જીવન ખૂબ સંઘર્ષભર્યું રહ્યું છે. તેના મમ્મી-પપ્પાએ તેને ખેલકૂદમાં કરીઅર બનાવવા સપોર્ટ નહોતો કર્યો. જોકે સંગીતા પોતાના બન્ને બાળકોને સફળ સ્પોર્ટ્સપર્સન બનાવવા માગે છે. તેની 17 વર્ષીય પુત્રી મેઘા 100 મીટરની દોડમાં ભાગ લેતી હોય છે. સંગીતાનો 11 વર્ષીય પુત્ર જિત્યેન્શ ક્રિકેટર છે.