
સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંઘ લોક સેવા આયોગ (UPSC)એ પોતાના નિયમોમાં મોટા ફેરફાર કરીને પ્રારંભિક પરીક્ષાની આનસર સીટ હવે પરીક્ષા પૂર્ણ થતાંની સાથે જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું પારદર્શિતા વધારવા અને ઉમેદવારોને તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની તક આપવા માટે લેવામાં આવ્યું છે, જે UPSCની પરીક્ષા પ્રક્રિયામાં એક મહત્વનો ફેરફાર ગણાશે.
UPSCએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક હલફનામામાં આ નિર્ણયની જાણકારી આપી છે. આ હલફનામું પારદર્શિતા વધારવાની માંગ કરતી એક અરજીના જવાબમાં રજૂ કરવામાં આવ્યું હતું. આયોગે જણાવ્યું કે હવે પ્રારંભિક પરીક્ષા પછી તાત્કાલિક પ્રોવિઝનલ આનસર સીટ જાહેર કરવામાં આવશે, જેના પર ઉમેદવારો પોતાની આપત્તિઓ નોંધાવી શકશે. આ નિર્ણયથી ઉમેદવારોને પોતાના જવાબોની તપાસ કરવાની અને પોતાનું પ્રદર્શન સમજવાની તક મળશે.
હાલ સુધી UPSCની પરંપરા એવી હતી કે આનસર સીટ, ગુણ અને કટ-ઓફ માત્ર સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને અંતિમ પરિણામ જાહેર થયા પછી જ પ્રકાશિત કરવામાં આવતા હતા. આ લાંબી પ્રક્રિયાને કારણે, જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા સુધી પહોંચી શકતા ન હતા, તેઓને પોતાના ગુણ, કટ-ઓફ કે મૂલ્યાંકન વિશે કોઈ જાણકારી મળતી ન હતી. જેનાથી તેઓ પોતાના પ્રદર્શનનું વિશ્લેષણ કરી શકતા ન હતા, જે તેમની ભાવિ તૈયારીને અસર કરતું હતું.
UPSCએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારો પ્રોવિઝનલ આનસર સીટ સામે આપત્તિઓ નોંધાવી શકશે, પરંતુ દરેક આપત્તિ સાથે ઓછામાં ઓછા ત્રણ પ્રમાણિક સ્રોતનો ઉલ્લેખ કરવો પડશે. આ તમામ આપત્તિઓની સમીક્ષા નિષ્ણાતોની એક સમિતિ દ્વારા કરવામાં આવશે, જે અંતિમ આનસર સીટ તૈયાર કરશે. આ આનસર સીટના આધારે પરિણામો જાહેર કરવામાં આવશે. આયોગે એ પણ જણાવ્યું કે સ્રોતની પ્રામાણિકતા નક્કી કરવાનો અધિકાર તેની પાસે રહેશે.
આ નવી પ્રક્રિયાનો અમલ ઝડપથી શરૂ કરવાની યૂપીએસસીની યોજના છે. આ ફેરફારથી ઉમેદવારોને પોતાના પ્રદર્શનનું વિશ્લેષણ કરવાની તક મળશે, જે તેમની ભાવિ તૈયારીઓને વધુ સારી બનાવશે. આ નિર્ણયથી યૂપીએસસીની પરીક્ષા પ્રક્રિયા વધુ પારદર્શી અને ઉમેદવારો માટે અનુકૂળ બનશે.
આ પણ વાંચો…દાહોદમાં ગામડે-ગામડે લાઈબ્રેરીઓ બનાવવાનું આયોજન, UPSC-GPSC તૈયારી કરતા વિદ્યાર્થીઓને થશે લાભ