હવે ઈન્ડિયન મિલિટરી એકેડેમી ઈતિહાસ રચશે, પહેલીવાર યુવતીઓ પણ મિલિટરી તાલીમ લેશે!

દહેરાદૂન: ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA)માં 14 જુલાઈથી નવો ઇતિહાસ રચવા જઈ રહી છે, જ્યારે પ્રથમ વખત ગર્લ્સ કેડેટ્સની તાલીમ શરૂ થશે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માંથી પાસ થયેલી 9 યુવતી 12-13 જુલાઈએ દહેરાદૂન પહોંચશે અને તેમની 14 જુલાઈના તાલીમ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ કેડેટ્સમાં બે વિદેશી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ બંને મહિલાઓ મૈત્રીપૂર્ણ દેશોની નાગરિક હોવાથી તેઓ આ તાલીમમાં જોડાશે.
IMA સૂત્રો પ્રમાણએ છોકરાઓ અને છોકરીઓની તાલીમ સમાન હશે. ગર્લ્સ કેડેટ્સને વિવિધ કંપનીઓ સાથે જોડવામાં આવશે, પરંતુ રહેઠાણની વ્યવસ્થા એક જ કંપનીમાં હશે, કારણ કે તેમની સંખ્યા ઓછી છે. આર્મી એજ્યુકેશન કોરની કેટલીક મહિલા અધિકારીઓ પહેલેથી તૈનાત છે, અને હવે કેટલીક મહિલા અધિકારીઓ પ્લાટૂન કમાન્ડર તરીકે નિયુક્ત થઈ છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : હવે મુત્સદ્દીગીરી સાથે મિલિટરી ઍક્શન લેવાનો સમય પાકી ગયો છે…!
તાલીમ દરમિયાન આઉટડોર, નાઇટ ટ્રેનિંગ અને અન્ય પ્રવૃત્તિઓ સૌ માટે સમાન હશે. ગર્લ્સ કેડેટ્સની સુરક્ષા માટે આઉટડોર તાલીમ વિસ્તારમાં વધારાના CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. મહિલાઓ માટે અલગ શૌચાલયો જેવી સુવિધાઓ પણ રાખવામાં આવી છે, જેથી તેમની તાલીમ અને રહેવાની વ્યવસ્થા સરળ રહે.
IMAમાં પ્રથમ વખત મહિલા કેડેટ્સની તાલીમ એ ઐતિહાસિક ક્ષણ છે. એરફોર્સ અને નેવલ એકેડમીમાં પહેલેથી જ મહિલાઓ અને પુરુષો એકસાથે તાલીમ લે છે, પરંતુ IMAમાં આ પ્રથમ પગલું છે. 2022માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NDAમાં ગર્લ્સ કેડેટ્સનો પ્રથમ બેચ આવ્યો, અને 30 મે, 2025ના રોજ 17 મહિલા કેડેટ્સ સહિત 336 કેડેટ્સ પાસ આઉટ થયા. હવે IMA પણ મહિલાઓ માટે નવી તકો ખોલી રહ્યું છે.