ટ્રેઇની આઈએએસ Pooja Khedkarની મુશ્કેલી વધી, હવે કેન્દ્ર સરકારે ફટકારી શો- કોઝ નોટિસ

નવી દિલ્હી : ટ્રેઇની IAS પૂજા ખેડકર(Pooja Khedkar)પર લાગેલા છેતરપિંડીના આરોપો બાદ તેમની માટે નવી સમસ્યા ઉભી થઇ છે. કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DOPT)એ પૂજા ખેડકરને શો- કોઝ નોટિસ ફટકારી છે. જેમાં તેમને 2 ઓગસ્ટ સુધીમાં આરોપો પર જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
સાત દિવસનો સમય આપવામાં આવ્યો
આ કેસ સાથે સંબંધિત ડીઓપીટીના અધિકારીઓએ સોમવારે અખબારને જણાવ્યું હતું કે, “વિવિધ એજન્સીઓની પૂછપરછ બાદ, 26 જુલાઈએ તેમના સરનામા પર શો- કોઝ નોટિસ મોકલવામાં આવી હતી. ખેડકરને નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું કે તે પૂજા ખેડકર પર નિર્ભર કરે છે કે તે નોટિસનો કેવી રીતે જવાબ આપે છે. જે લેખિતમાં અથવા તો જાતે હાજર રહીને પણ જવાબ આપી શકે છે. અધિકારીએ કહ્યું છે કે જો તેઓ સમય મર્યાદામાં જવાબ નહીં આપે તો તેમની સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : તમારી સિવિલ પરીક્ષાની ઉમેદવારી શું કામ રદ ન કરવી: યુપીએસસીની પૂજા ખેડકરને નોટિસ
એક સભ્યની પેનલની રચના
મહારાષ્ટ્ર સરકારના અહેવાલના આધારે કેન્દ્ર સરકારે પૂજા ખેડકરની ઉમેદવારી અને અન્ય આરોપોના દાવાઓની તપાસ કરવા માટે એક સભ્યની પેનલની રચના કરી છે. જો ખેડકર ખોટા દાવા કરવા બદલ દોષિત ઠરશે તો તેની પસંદગી રદ થઈ શકે છે.
જરૂરી કાર્યવાહીની ભલામણ કરવાની પણ તૈયારી
યુપીએસસીની ફરિયાદને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખેડકર સામે છેતરપિંડી અને ખોટા ષડયંત્ર નો કેસ નોંધી લીધો છે. ગયા અઠવાડિયે કમિટીએ પોતાનો રિપોર્ટ DoPT સેક્રેટરીને સુપરત કર્યો હતો. ડીઓપીટી ટીમ આ રિપોર્ટના તારણોની તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહીની ભલામણ કરવાની પણ તૈયારી કરી રહી છે.
પૂજા ખેડકર મસૂરીમાં હાજર થયા નથી
ડીઓપીટી અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂજા ખેડકર મહારાષ્ટ્રના વાશિમથી 23 જુલાઈ સુધીમાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં રિપોર્ટ કરવાના હતા. જો કે એકેડેમીના અધિકારીઓએ સોમવારે પુષ્ટિ કરી કે તેમણે હજુ સુધી ત્યાં રિપોર્ટ કર્યો નથી.