તમારી સિવિલ પરીક્ષાની ઉમેદવારી શું કામ રદ ન કરવી: યુપીએસસીની પૂજા ખેડકરને નોટિસ
મુંબઈ: ખોટી ઓળખ બતાવીને સિવિલ સર્વિસીસની પરીક્ષા ઠગાઇથી આપવા બદલ પૂજા ખેડકર વિરુદ્ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા પોલીસ ફરિયાદ સહિત અનેક પગલાં લેવામાં આવ્યાં છે. 2022માં સિવિલ સર્વિસીસની પરીક્ષાની ઉમેદવારી રદ કરવા તેમ જ ભાવિ પરીક્ષાઓ અને પસંદગીઓથી દૂર રાખવા માટે પૂજા ખેડકરને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
તાજેતરમાં રાજ્યના પુણે જિલ્લાધિકારી કાર્યાલયમાં તાલીમ દરમિયાન હકદાર નહોતી તેવા ભથ્થાં અને સુવિધાઓની માગણી કરી વિશેષાધિકારનો દુરુપયોગ કરવાનો પૂજા પર આરોપ છે.
પૂજા તાલીમ હેઠળ હોવા છતાં આસપાસના દરેકને ધાકધમકી આપતી હતી. ખાનગી ઑડી કાર પર મનાઇ હોવા છતાં લાલ બત્તી લગાવીને ફરતી હતી અને કાર પર મહારાષ્ટ્ર સરકાર એવું અનધિકૃત સ્ટિકર પણ ચોંટાડ્યું હતું.
આ અંગે ઊહાપોહ મચ્યા બાદ પૂજાની વાશિમ જિલ્લાધિકારી કાર્યાલયમાં બદલી કરવામાં આવી હતી. 2022ની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં તેને પાત્ર જાહેર કરાઇ હતી.
આ પણ વાંચો: પૂજા ખેડકરે જેનું સરનામું આપેલું એ કંપની સીલ
યુપીએસસી દ્વારા ગયા વર્ષે જાહેર પરિણામને આધારે પૂજાને આઇએએસ અને કેડર તરીકે ગૃહ રાજ્ય મહારાષ્ટ્ર ફાળવવામાં આવ્યું હતું. યુપીએસસી દ્વારા પૂજા, તેની માતા મનોરમા અને પિતા દિલીપ ખેડકરની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં એવું બહાર આવ્યું હતું કે પૂજાએ તેનું નામ, માતા-પિતાનું નામ, પોતાનો ફોટો, હસ્તાક્ષર, ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબર અને સરનામું બદલીને પોતાની ખોટી ઓળખ ઊભી કરી તથા પરીક્ષાના નિયમો હેઠળ મંજૂર મર્યાદાઓ પાર કરીને ઠગાઇથી પરીક્ષા આપવાના પ્રયાસો ઉપલબ્ધ કર્યા હતા. આથી યુપીએસસી દ્વારા હવે નિયમ હેઠળ શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યાં છે.
યુપીએસસીએ જણાવ્યું કે બંધારણીય જવાબદારી પરિપૂર્ણ કરવા માટે કોઇ પણ બાંધછોડ વિના યોગ્ય સૂઝબૂઝના સર્વોચ્ચ શક્ય ક્રમમાં તમામ પરીક્ષા સહિત તેના બંધારણના મેન્ડેટનું પાલન કરે છે અને તેની તમામ પ્રક્રિયાઓ હાથ ધરે છે.
આ પણ વાંચો: IAS પૂજા ખેડકર કેસમાં મોટું અપડેટ, UPSCએ FIR નોંધાવી
ખેડકરે સેવામાં પોતાની ઉમેદવારી સુનિશ્ર્ચિ કરવા અન્ય પછાત જાતિના ક્વોટાનો દુરુપયોગ કરતાં 11 જુલાઇએ કેન્દ્ર દ્વારા એક સભ્યની તપાસ સમિતિ નીમવામાં આવી છે. પર્સોનેલ અને ટ્રેનિંગ વિભાગના એડિશનલ સેક્રેટરી મનોજ કુમાર દ્વિવેદીની આગેવાનીમાં પેનલને બે સપ્તાહમાં તેનો અહેવાલ સુપરત કરવા પૂછવામાં આવ્યું છે. પૂજાને ઘણી બધી દિવ્યાંગતા સાથેની વ્યક્તિ તરીકે ઓબીસી શ્રેણી હેઠળ 2022ની પરીક્ષામાં 821મો ક્રમ મળ્યો હતો.
હું વાશિમ પાછી આવીશ: પૂજા ખેડકર
પૂજા ખેડકર વિરુદ્ધ ઓળખ છુપાવીને સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પ્રયાસો કરવા બદલ પોલીસ ફરિયાદ સહિત યુપીએસસી દ્વારા શુક્રવારે શ્રેણીબદ્ધ પગલાં લેવાયા બાદ ટૂંક સમયમાં જ તે વાશિમ છોડી ગઇ હતી. પુણેમાં તાલીમ દરમિયાન સત્તા અને વિશેષાધિકારનો દુરુપયોગ કરનારી પૂજાએ વાશિમમાં સરકારી આરામગૃહ બહાર ઊભેલા પત્રકારોને કહ્યું હતું કે ‘ન્યાય તેનું કામ કરશે.’ હું ટૂંક સમયમાં જ પાછી આવીશ, એમ કહીંને તે ખાનગી કારમાં બેઠી અને કાર પૂરપાટ વેગે નાગપુર તરફ નીકળી ગઇ. (પીટીઆઇ)