યાત્રીગણ કૃપયા ધ્યાન દે: ટ્રેનના ભાડાંમાં આ તારીખથી થશે વધારો, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર થશે?

નવી દિલ્હી: ભારતમાં એક એવો વર્ગ છે, જે આજની તારીખ પણ લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે પરિવહનના અન્ય વિકલ્પોની સરખામણીએ રેલવેની મુસાફરી સસ્તી અને ઝડપી છે. જોકે, હવે ભારતીય રેલવે દ્વારા ભાડાંમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા ભાડાં વધારાની કોના પર સૌથી વધુ અસર થશે એની વાત કરીએ.
રેલવેના ભાડાં વધારાથી કોને અસર થશે?
215 કિલોમીટરથી વધારે અંતરની મુસાફરીના ભાડા પર પ્રતિ કિલોમીટરે એક પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે મેલ/એક્સપ્રેસ ટ્રેનની એસી અને નોન-એસી શ્રેણીના ભાડાંમાં પ્રતિ કિલોમીટરે 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, તેથી જો તમે 500 કિમીની યાત્રી કરવાના છો, તો તમને 10 રૂપિયા એકસ્ટ્રા ભાડું આપવું પડશે. રેલવેનું કહેવું છે કે આ વધારો મર્યાદિત છે. સામાન્ય યાત્રીઓ પર આ વધારાની ન્યૂનતમ અસર પડશે.

600 કરોડ રુપિયાની આવક થવાનો દાવો
મળતી માહિતી મુજબ, ભારતીય રેલવેએ ભાડામાં કરેલા આ વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં 600 કરોડ રૂપિયાથી વધુની આવક થવાની સંભાવના છે. ભારતીય રેલવેએ યાત્રીઓની સુરક્ષા અને વધુ સારી સેવા આપવા માટે પોતાના માનવ સંસાધનને મજબૂત કર્યું છે. જેનાથી ખર્ચમાં ભારે વધારો થયો છે. રેલવે વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડાઓ મુજબ રેલવેના મેનપાવરનો ખર્ચ વધીને 1.15 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે પેન્શન પર વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
26 ડિસેમ્બરથી લેવાશે નવું ભાડું
નાણાકીય વર્ષ 2024-25માં રેલવેની કામગીરનો ખર્ચ લગભગ 2.63 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વધતા ખર્ચને બેલેન્સ કરવા માટે રેલવે યાત્રી ભાડામાં આ નાનકડો વધારો કરવા જઈ રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ વધારો 26 ડિસેમ્બર, 2025થી અમલમાં આવશે.
આ પણ વાંચો…ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! હવે વધારાના સામાન માટે પ્લેન જેવો ચાર્જ વસૂલશે રેલવે…



