છત્તીસગઢમાં ટ્રેનનો વિચિત્ર અકસ્માત, ટ્રેન ડિરેલ થતા લોકો પાઈલટ જખમી

કાંકેર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં આજે એક ખાલી પેસેન્જર ટ્રેન વરસાદના કારણે પાટા પર પડેલા એક મોટા ઝાડ સાથે ટકરાઇ ગઇ હતી. ટ્રેન ઝાડ સાથે ટકરાતા એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જેમાં લોકો પાયલટને ઇજા પહોંચી હતી.
આ ઘટના ભાનુપ્રતાપપુર અને ગુદુમ ગામની વચ્ચે આજે સવારે બની હતી.
એક ખાલી ડેમૂ પેસેન્જર ટ્રેન દલ્લીરાજહરા (બાલોદ જિલ્લો)થી અંતાગઢ (કાંકેર જિલ્લો) તરફ જઇ રહી હતી. અંતાગઢથી રાયપુર સુધી ચાલનારી આ ટ્રેન સવારે સાડા ચાર વાગ્યે અંતાગઢથી રાયપુર તરફ રવાના થવાની હતી.
આ પણ વાંચો: નશામાં ધૂત કારચાલકે નિમેટા ગામે અકસ્માત સર્જ્યો: ગર્ભવતી મહિલાના બાળકનું ગર્ભમાં નીપજ્યું મોત
છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારમાં સતત વરસાદના કારણે રેલવેના પાટા પર એક વિશાળ પીપળાનું ઝાડ તૂટીને પડ્યું હતુ. આ ટ્રેક પરથી એક પેસેન્જર ટ્રેન પસાર થઇ રહી હતી જે ઝાડ સાથે ટકરાઇ હતી. જેનાથી એન્જિનના બે પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં લોકો પાયલટ ઇજાગ્રસ્ત થયો હતો.
ઘટનાની જાણ થતા રેલવે અને સુરક્ષા કર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. બાદમાં ટ્રેનને પાટા પર લાવવામાં આવી હતી. બાદમાં ઝાડને પાટા પરથી હટાવીને ટ્રેનને આગળ મોકલવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં રેલવેના નિરંતર અકસ્માતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં છેલ્લા પંદર દિવસમાં રોજ એક રાજ્યમાં અકસ્માતનો કેસ નોંધાય છે. વધતા અકસ્માતોને લઈ રેલવેમાં સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે.