હાડકાંને નબળા પાડે છે PM2.5: જોખમમાં છે આ લોકો!

નવી દિલ્હી: વધતું જતું પ્રદૂષણ હવે સ્વાસ્થ્ય માટે એક ગંભીર જોખમ બની ગયું છે, ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચિંતાજનક વાત એ છે કે વાયુ પ્રદૂષણની અસર હવે માત્ર શ્વાસ પર જ નહીં, પરંતુ હાડકાં અને સાંધા પર પણ થઈ રહી છે. પ્રદૂષિત હવામાં હાજર સૂક્ષ્મ કણો (PM2.5) શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરી રહ્યા છે, જેના કારણે લોકોને રુમેટોઇડ આર્થરાઇટિસ, સાંધામાં સોજો અને હાડકાંની નબળાઈ જેવી સમસ્યાઓ થઈ રહી છે. જે લોકોને આ સમસ્યાઓ પહેલાથી જ છે, તેમની તકલીફમાં વધારો થયો છે. આ દાવો એમ્સ (AIIMS) નવી દિલ્હીના એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ખામીને કારણે ઘણી બીમારીઓ થાય છે, જેમાંની એક રુમેટોઇડ આર્થરાઇટિસ છે. વધેલું પ્રદૂષણ આ બીમારીના જોખમને વધારી રહ્યું છે. દિલ્હીમાં દર વર્ષે શિયાળામાં રુમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓના લક્ષણો વધી જાય છે. જે દર્દીઓની સ્થિતિ આખું વર્ષ સ્થિર રહે છે, આ સમયગાળા દરમિયાન તેમની તકલીફમાં વધારો થાય છે. આ પેટર્ન છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહી છે, અને તેનું એક મુખ્ય કારણ શિયાળામાં વધેલું પ્રદૂષણ હોઈ શકે છે.
આ પણ વાંચો: કાયાની ઈમારતને અડીખમ રાખે હાડકાં
પ્રદૂષણની સાંધા પર કેવી રીતે અસર થાય છે?
જ્યારે કોઈ વ્યક્તિ શ્વાસ લે છે, ત્યારે પ્રદૂષણમાં હાજર સૂક્ષ્મ કણો PM2.5 શ્વાસ દ્વારા ફેફસાં મારફતે લોહીમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ, આ કણો આખા શરીરમાં ફેલાઈને ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ક્રોનિક ઇન્ફ્લેમેશન (લાંબા ગાળાનો સોજો) વધારે છે, જેની અસર સાંધા પર પણ થાય છે. પ્રદૂષણ ઇમ્યુન સિસ્ટમને પણ ગંભીર રીતે અસર કરે છે, જેના કારણે ઇમ્યુન સિસ્ટમ શરીરના પોતાના જ સારા કોષો અને પેશીઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે. આનાથી રુમેટોઇડ આર્થરાઇટિસ જેવી ઓટોઇમ્યુન બીમારીઓનું જોખમ વધી જાય છે, ખાસ કરીને જે લોકો પહેલેથી જ આ બીમારીથી પીડિત છે.
બચાવ માટેના પગલા
નિષ્ણાંત ડોક્ટરોએ આ વધતા જોખમથી બચવા માટે આપણે જ્યાં સુધી પ્રદૂષણનું સ્તર ઊંચુ હોય ત્યાં સુધી સવારની ખુલ્લી હવામાં ફરવાનું ટાળવું જોઈએ. બહાર નીકળતી વખતે N95 જેવા યોગ્ય માસ્કનો ઉપયોગ કરો. ઘરમાં હવા શુદ્ધ કરવા માટે એર પ્યુરિફાયર લગાવો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે આહારનું ધ્યાન રાખો. પ્રદૂષણના કારણએ વૃદ્ધો, મહિલાઓ, રુમેટોઈડ આર્થરાઈટિસના દર્દીઓ આ ઉપરાંત અસ્થમા/એલર્જીથી પીડિત લોકો વધુ નુકસાન થઈ શકે છે.



