ઉત્તરાખંડમાં અતિભારે વરસાદના પગલે અટવાયા પ્રવાસીઓ : 450 યાત્રિકોને પોલીસ સ્ટેશનના આશરે

Dehradun: છેલ્લા 24 કલાકથી ઉતરાખંડ પર અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે 256 જેટલા માર્ગો પ્રભાવિત થયા છે. આ વરસાદની અસર ચારઢાં યાત્રા પર પણ પડી છે. ભારે વરસાદના પગલે કેદારનાથના 450 યાત્રિકોને ગઢવાલ મંડપ વિકાસ નિગમ અને પોલીસ ચોકીમાં સુરક્ષિત સ્થળે આશ્રિત કરવામાં આવ્યા છે, તો બીજી બાજુ 200 યાત્રીઓને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેદારનાથ પદયાત્રાના માર્ગ પર જંગલ ચટ્ટી, ઘોડા પડાવ, લિનચોલી, મોટી લિનચોલી, ભીમ બાલીને બ્લોક થઈ ચૂક્યા છે.
ગૌરીકુંડથી લઈને કેદારનાથ પદયાત્રાના માર્ગ પર લીનચોલીમાં ભૂસ્ખલન થયા બાદ આવન-જાવન બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ રામબાડા નજીક ભૂસ્ખલન થવાથી બે સ્થાયી પુલને નુકસાન થયું છે. નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે એક 7 વર્ષનું બાળક તણાઇ ગયું છે. દેહરાદૂન જિલ્લામાં નાળામાં નહાવાને કારણે બે લોકોના મોત થયા છે અને સાથે હરિદ્વારમાં પણ ચાર લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.
રૂરકીમાં પણ બે લોકોના મોત થયાના અહેવાલ છે. ઉત્તરાખંડના ટિહરીના ઘનસાલીમાં વાદળ ફાટવાના કારણે ત્રણ લોકોના મોત થયા છે. આવી પરિસ્થિતિને પગલે ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે જેમાં ટિહરીમાં 3, હરિદ્વારમાં 4, દેહરાદૂનમાં 2 અને ગેરસૈણમાં 1ના મોતના અહેવાલ છે.
હવામાન વિભાગે નૈનીતાલ, ઉધમ સિંહ નગર ચંપાવતમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય દેહરાદૂન, ટિહરી પૌરી, હરિદ્વારમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 256 રસ્તાઓ બંધ છે.
Also Read –