હિમાચલમાં પેરાગ્લાઈડર ક્રેશ થતા ગુજરાતના પ્રવાસીનું મોત: 6 મહિનામાં બીજો બનાવ…

ધર્મશાલા: ઘણા લોકોને પેરાગ્લાઈડિંગ કરવાનો શોખ હોય છે. પેરાગ્લાઈડિંગ કરતાં-કરતાં આકાશી નજારો જોવાનો રોમાંચ કંઈ અલગ હોય છે. પરંતુ ઘણીવાર પેરાગ્લાઈડિંગમાં અકસ્માત સર્જાય છે અને લોકોને જીવ પણ જાય છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે પેરાગ્લાઈડર ક્રેશ થવાના કારણે અમદાવાદના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
ટેક-ઓફ વખતે પેરાગ્લાઈડર ક્રેશ થયું
મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદના 25 વર્ષીય યુવાન સતીશ રાજેશભાઈને એડવેન્ચર સ્પોર્ટ્સનો શોખ હતો. તે વેકેશન ગાળવા માટે હિમાચલ પ્રદેશ ગયો હતો. 14 જુલાઈ 2025ને સોમવારની સાંજે તેણે પેરાગ્લાઈડિંગ કરવાનું નક્કી કર્યું હતું. તેથી તે ઇન્દ્રનાગ પેરાગ્લાઇડિંગ રેન્જ ખાતે પહોંચ્યો હતો. જે ધર્મશાલાના ઉપનગરોમાં આવેલી છે.
પેરાગ્લાઈડરના પાયલટે સતીશને આકાશની સફર કરવા માટેની તૈયારી કરી હતી. પરંતુ ટેક-ઓફ દરમિયાન પેરાગ્લાઈડરે નિયંત્રણ ગૂમાવ્યું હતું. જેથી થોડા અંતર સુધી ઉડાન ભરીને પેરાગ્લાઈડર ક્રેશ થયું હતું. જેથી સતીશ અને તેનો પાયલટ સૂરજ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સારવાર દરમિયાન અમદાવાદના યુવાનનું મોત
સતીશને માથા, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સતીશને પહેલા ધર્મશાલાની ઝોનલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ ટાંડા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું. જેથી સતીશના અમદાવાદ સ્થિત પરિવારમાં માતમ છવાયો હતો. કાંગડાની બાલાજી હોસ્પિટલમાં પાયલટ સૂરજની સારવાર ચાલી રહી છે.
છ મહિનામાં બીજા ગુજરાતીનું મોત
ઇન્દ્રનાગ પેરાગ્લાઇડિંગ રેન્જમાં થયેલી આ દુર્ઘટનાને લઈને કાંગડા પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન સલામતીના પગલાને ધ્યાનમાં રાખીને બીર બિલિંગના લોકપ્રિય રિસોર્ટ સહિત જિલ્લામાં 15 સપ્ટેમ્બર સુધી પેરાગ્લાઈડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, છ મહિના પહેલા પણ ઇન્દ્રનાગમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન અકસ્માત હતો. જાન્યુઆરી 2025માં પેરાગ્લાઈડર ઉડતી વખતે ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના અમદાવાદની 19 વર્ષીય ભાવસાર ખુશીનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ પણ ઘાયલ થયો હતો.