રાજ્યમાંથી તોતાપુરી કેરીની ખરીદીનો ખર્ચ કેન્દ્ર ભોગવે: આંધ્ર પ્રદેશ

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના કૃષિ પ્રધાન કિંજારાપુ અત્ચન્નાઈડુએ વર્તમાન મોસમમાં માર્કેટ ઈન્ટરવેન્શન સ્કીમ (એમઆઈએસ) હેઠળ રાજ્યમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી 6.5 લાખ ટન તોતાપુરી કેરીની પ્રાપ્તિ પેટેનો કુલ રૂ. 260 કરોડનો ખર્ચ કેન્દ્ર ભોગવે એમ જણાવ્યુ છે.
કેન્દ્રિય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથેની બેઠકમાં અત્ચન્નાઈડુએ જણાવ્યું હતું કે રાજ્યના ચિત્તુર જિલ્લામાંથી કિલોદીઠ રૂ. 12ના ટેકાના ભાવથી કેરીની પ્રાપ્તિ થઈ રહી છે. આ પૈકી ટ્રેડરો/ફેક્ટરીઓ કિલોદીઠ રૂ. આઠની ચુકવણી કરી રહ્યા છે અને શેષ રૂ. 4નો ખર્ચ એમઆઈએસ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 50:50ના ધોરણે ભોગવવાનો હોય છે. જોકે, આ વર્ષે સ્થાનિક સ્તરે ભાવમાં તીવ્ર ઘટાડો થયો હોવાથી એમઆઈએસ હેઠળ પ્રાપ્તિનો 100 ટકા ખર્ચ કેન્દ્ર દ્વારા ભોગવવામાં આવે એવો અનુરોધ રાજ્યના કૃષિ પ્રધાને કર્યો છે. તેમ જ પ્રાપ્તિની આ સ્કીમ આગામી ઑગસ્ટ મહિના સુધી લંબાવવાની પણ માગણી કરી છે. તોતાપુરી કેરીની લણણી મેથી ઑગસ્ટ દરમિયાન થતી હોય છે અને તેમાં ખાસ કરીને જૂન-જુલાઈ મહિનામાં આવકોનું પ્રમાણ વધુ હોય છે. વર્તમાન વર્ષ 2025-26ની મોસમમાં આંધ્ર પ્રદેશમાં કેરીનું ઉત્પાદન 49.86 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. નોંધનીય બાબત એ છે કે રાજ્યમાં આ વર્ષે તોતાપુરી કેરીના ઉત્પાદનમાં વધારો થવાથી સ્થાનિકમાં ભાવ કિલોદીઠ રૂ. 17.50ના ઉત્પાદન ખર્ચ સામે ઘટીને કિલોદીઠ રૂ. ચાર સુધી ઘટી ગયા હતા.