
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં હાલ બદલાવ આવ્યો છે. ક્યાંક ગરમી તો ક્યાંક કમોસમી વરસાદ પડી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં હજુ ભીષણ ગરમીનો અહેસાસ થયો નથી. હવામાન વિભાગ મુજબ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં આજે કેવું રહેશે હવામાન
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી સાથે બફારાની સ્થિતિ છે. 15મી તારીખ સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. હાલ માવઠાના વરસાદને કારણે તાપમાન ઘટ્યું હતું જે 15 તારીખ સુધીમાં ફરીથી વધશે. ફરીથી રાબેતા મુજબના ઉનાળાનો અહેસાસ થશે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે વાતાવરણ
મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, લાતુર, ધારાશિવ, અમરાવતી, અકોલા, નાગપુર, વર્ધા, ગોંદિયા અને ભંડારા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
પહાડી રાજ્યોમાં વરસાદની સંભાવના
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વધતી ગરમીથી રાહત મળશે, હવામાન વિભાગે અહીં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી ત્રણથી ચાર દિવસોમાં દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન ક્ષેત્રના મોટા ભાગો, દક્ષિણ બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે ચોમાસું
સામાન્ય રીતે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂન સુધીમાં કેરળમાં પહોંચે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે અને 15 ઓક્ટોબર સુધીમાં વિદાય લે છે. કેરળમાં ચોમાસાના વહેલા આગમનના સંકેતો દેશ માટે ઘણી રીતે શુભ છે. જો ચોમાસું સમય પહેલાં અથવા નિર્ધારીત તારીખે દેશના અન્ય ભાગોમાં પહોંચે તો તેનાથી કૃષિને મોટો ફાયદો થાય છે.