નેશનલ

નબીરાએ 12 કરોડની લેમ્બોર્ગિનીથી રિક્ષા અને બાઈકને ઉડાવ્યા; FIR માં આરોપીનું નામ ગાયબ!

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઉદ્યોગપતિના બાપના નબીરાએ 12 કરોડની લેમ્બોર્ગિની કાર વડે એક ઓટોરિક્ષા અને મોટરસાઇકલ ટક્કર મારી હતી, ત્યાર બાદ કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી, જો કે છ લોકો ઘાયલ થયા. પોલીસે FIR નોંધી છે, પરંતુ તેમાં આરોપીના નામનો ઉલ્લેખ ન કરાતા વિવાદ સર્જાયો છે.

અહેવાલ મુજબ આ ઘટના ગઈ કાલે રવિવારે બપોરે 3.15 વાગ્યે બની હતી. કાનપુરના અબજોપતિ ઉદ્યોગપતિ કેકે મિશ્રાનો દીકરો શિવમ મિશ્રા કાર ચલાવી રહ્યો હતો. કારે પહેલા એક ઓટો-રિક્ષાને ટક્કર મારી અને ત્યાર બાદ પાર્ક કરેલી રોયલ એનફિલ્ડ બાઇકને ટક્કર મારી. કાર બાઈકના આગળના વ્હીલ પર ચઢી ગઈ અને બાઈકને થોડે દુર સુધી ખેંચી ગઈ, ત્યાર બાદ ફૂટપાથ પર વીજળીના થાંભલા સાથે અથડાઈ અને અટકી ગઈ.

લોકોએ કાર ચાલકને પકડ્યો:
આ અકસ્માત થતા લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલક નબીરા શિવમને પકડી પાડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઉદ્યોગપતિના ખાનગી બાઉન્સરો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં અને શિવમને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે પહોંચીને સ્થિતિ સાંભળી હતી, પોલીસે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે.

FIRમાં આરોપીનું નામ ગાયબ:
પોલીસે આ અકસ્માત અંગે એક FIR નોંધી છે, પરંતુ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે. કેસના પેપર્સમાં કાર ચાલક શિવમનું નામ નથી, જ્યારે તેને કારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર છે. પોલીસે પણ આ વીડિયોની નોંધ લીધી છે, પરંતુ FIRમાંથી આરોપીનું નામ કેમ ગાયબ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નબીરાને બચાવવાના પ્રયાસ:
ઉદ્યોગપતિના પરિવારે કાર ચાલક શિવમને બચાવવાના પ્રયસો શરુ કર્યા છે. પરિવારે જણાવ્યું કે શિવમને કોઈ બીમારી છે અને ડ્રાઇવિંગ કરતી વખતે તેને અચાનક આંચકી ઉપડી હતી, જેના કારણે તેણે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી ડ્રાઈવરનાં મેડીકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ કરવામાં આવી રહી છે.

કારને જોવા લોકો ઉમટી પડ્યા:
પોલીસકર્મીઓ લેમ્બોર્ગિની કારને જપ્ત કરીને ગ્વાલટોલી પોલીસ સ્ટેશન લઇ ગયા, જોકે પોલીસને એક સમસ્યાનો સામનો કરવો પડ્યો. અકસ્માતગ્રસ્ત ₹12 કરોડની કિંમતની લેમ્બોર્ગિની કાર જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. આખરે પોલીસને કારને ઢાંકવાની ફરજ પડી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button