TMC સુપ્રીમો મમતા બેનરજી રામમંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે?
પશ્ચિમ બંગાળ: રાજ્યના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે કે કેમ તે અંગે આખરે સ્પષ્ટતા થઇ ગઇ છે.
ન્યુઝ એજન્સી પીટીઆઇના સૂત્રોનું સાચું માનીએ તો મમતા બેનરજી આ કાર્યક્રમમાં સામેલ નહિ થાય. અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે નેતાઓ, ક્રિકેટરો, તેમજ અનેક મોટી હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સહિત INDIA ગઠબંધનના અનેક મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નેતાઓમાંથી વૃંદા કરાત અને સીતારામ યેચુરીએ સૌથી પહેલા રામમંદિરનાા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો, અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે મમતા બેનરજી પણ કાર્યક્રમનો ભાગ નહી બને. જો કે હજુ સુધી TMCએ સત્તાવાર રીતે નિર્ણયની જાહેરાત કરી નથી.
અગાઉ વિશ્વ હિંદુ પરિષદે સીતારામ યેચુરીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવવાનો ઇનકાર કરવા અંગે નિશાન સાધ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું હતું કે, “એવા સમાચાર છે કે સીતારામ નામના સજ્જન અયોધ્યા નહીં આવે, રાજકીય વિરોધ સમજી શકાય છે, પરંતુ જો કોઈને તેમના નામ પ્રત્યે જ આટલી ઘૃણા હોય તો તે માત્ર સામ્યવાદી જ હોઈ શકે.”
આ ભવ્ય ઉત્સવ માટે ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, અભિનેતાઓ, સૈન્ય અધિકારીઓ અને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારો તેમજ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા, યોગ ગુરુ બાબા રામદેવ, ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, રિલાયન્સના મુકેશ અંબાણી, અભિનેતા અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત નેને, અરુણ ગોવિલ, જેઓ રામાનંદ સાગરની ફિલ્મ રામાયણમાં રામનો રોલ કરનાર અરુણ ગોવિલ, દિગ્દર્શક મધુર ભંડારકર, ગીતકાર પ્રસૂન જોશી અને સહિત અનેક મહાનુભવોનો મહેમાનોની યાદીમાં સમાવેશ થાય છે.