મહુઆ મોઇત્રા પાસે TMCએ માગ્યો જવાબ, સાંસદ સામે પગલા લેવાય તેવી શક્યતા
પૈસા લઇને સંસદમાં સવાલો પૂછવાના વિવાદમાં સપડાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે વધુ એક મુશ્કેલી ઉભી થઇ શકે છે કારણકે TMC કદાચ તેમના વિરુદ્ધ પગલા લે તેવી શક્યતાઓ જોવા મળી છે. TMC નેતા ડેરેક ઓ બ્રાયને નિવેદન આપ્યું હતું કે મહુઆ પાસેથી પાર્ટીએ જવાબ માંગ્યો છે અને પક્ષ દ્વારા ટૂંક સમયમાં જ આ મામલે યોગ્ય પગલા લેવાશે. આમ સંસદની આચાર સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ TMC આ વિવાદમાં કોઇ અગત્યનો નિર્ણય લઇ શકે છે. શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસે નિવેદન આપ્યું હતું કે આ મામલે તેમની પાસે કહેવાલાયક કંઇ જ નથી.
લોકસભાની એક સમિતિ મહુઆ મોઇત્રા સામેના આ તમામ આરોપોની તપાસ કરી રહી છે. ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીએ તેમને સોગંધનામું સોંપ્યું છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે મહુઆ મોઇત્રાને સંસદમાં સવાલ પૂછવા માટે લાંચ આપી હતી. જો આ આરોપ સાબિત થાય તો શક્ય છે કે મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા જતી રહે. સોગંધનામામાં દાવો કરવામાં આવ્યો છે કે મહુઆ સતત હીરાનંદાની પાસેથી મોંઘી ગીફ્ટ્સ અને રૂપિયા માગતા હતા. ઉપરાંત તેમણે સાંસદ તરીકેની તેમની લોગ ઇનની વિગતો પણ શેર કરી હતી.
હવે આ અંગે તપાસ કરી રહેલી સમિતિની આગામી 26 ઓક્ટોબરે બેઠક બોલાવવામાં આવશે જેમાં ફરિયાદ કર્તા ભાજપ સાંસદ નિશિકાંત દુબે પણ તેમની પાસે રહેલા પુરાવા રજૂ કરશે. મહુઆ મોઇત્રાએ જો કે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે જે જો તેમને લોકસભાની સમિતિના સભ્યો અથવા CBI બોલાવે તો તે હાજર થવા તૈયાર છે અને તમામ સવાલોના જવાબ આપશે.