નેશનલ

કોલકાતાની ઘટનાના વિરોધમાં TMC સાંસદે આપ્યું રાજીનામું, મમતા બેનરજીને લખ્યો પત્ર

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે રવિવારે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ‘ટ્રેઇની ડૉક્ટરના રેપ અને હત્યાના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી સુપ્રીમો મમતા બેનરજીને પત્ર લખીને કહ્યું હતું કે મેં મારું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.

મમતા બેનરજીને લખેલા પત્રમાં જવાહર સરકારે કહ્યું હતું કે તેમને આશા હતી કે તેઓ આરજી કાર હોસ્પિટલમાં થયેલી બર્બરતા અંગે તરત જ કડક પગલાં લેશે. તેઓ (મમતા) આના પર જૂની મમતા બેનરજીની જેમ કડક પગલાં લેશે,પરંતુ તેમણે તાત્કાલિક કોઈ નક્કર પગલાં લીધા ન હતા. એટલું તો ઠીક પણ તેમણે પગલાં ભરવામાં પણ મોડું કર્યું હતું. જવાહર સરકારે આશા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થવી જોઈએ અને ગુનેગારોને કડક સજા મળવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, ‘આરજી કાર હોસ્પિટલમાં થયેલી ભયાનક ઘટના પછી હું આઘાતની લાગણી અનુભવું છે. હું મનોમન પીડાઈ રહ્યો છું. હું મમતા બેનરજીની તેમની જૂની શૈલીમાં આંદોલનકારી જુનિયર ડૉક્ટર સાથે સીધા હસ્તક્ષેપની અપેક્ષા રાખતો હતો. પણ આવું ન થયું.’ જવાહર સરકારે તેમના પત્રમાં કહ્યું છે કે કોલકાતામાં વર્તમાન વિરોધે બંગાળને હચમચાવી નાખ્યું છે. તે TMC સરકારના ‘કેટલાક પસંદગીના લોકો અને ભ્રષ્ટ લોકોના અનિયંત્રિત આધિપત્યપૂર્ણ વલણ’ સામે જનતાના ગુસ્સાનું પ્રતિબિંબ છે.

CM મમતાને પત્ર લખીને જવાહર સરકારે ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પંચાયત અને નગરપાલિકાઓમાં સ્થાનિક સ્તરના પક્ષના નેતાઓએ મોટી સંપત્તિ એકઠી કરી છે, જેના કારણે બંગાળના લોકોને નુકસાન થયું છે. એ પણ સાચું છે કે અન્ય પક્ષોના નેતાઓએ મોટી સંપત્તિ મેળવી છે, પરંતુ બંગાળ આવા ભ્રષ્ટાચાર અને વર્ચસ્વને સ્વીકારવા સક્ષમ નથી. હું જાણું છું કે વર્તમાન કેન્દ્રીય શાસન તેના બનાવેલા અબજોપતિઓના દમ પર ફૂલી ફાલી રહ્યું છે અને એક પણ દિવસ એવો નથી જતો જ્યારે હું તેના પર હુમલો ન કરું. હું કેટલીક બાબતો સ્વીકારી શકતો નથી, જેમાં ભ્રષ્ટાચાર મુખ્ય છે.

આ પણ વાંચો : કોલકાતા રેપ-મર્ડર કેસની તપાસમાં EDની એન્ટ્રી, આરોપી સંદીપ ઘોષના ઘર પર દરોડા

‘તમે જૂની મમતા સ્ટાઈલમાં કાર્યવાહી કરશો’
તેમણે વધુમાં કહ્યું કે મારા પર વિશ્વાસ કરો, જનતાનો આ ગુસ્સો કેટલાક ખાસ લોકો અને ભ્રષ્ટ લોકોના આ અનિયંત્રિત આધિપત્યપૂર્ણ વલણ સામે છે. મેં મારા સમગ્ર કાર્યકાળમાં સરકાર સામે આટલો અવિશ્વાસ ક્યારેય જોયો નથી. હું આરજી કાર મેડિકલ કોલેજની ઘટના પર એક મહિના સુધી મૌન હતો અને આશા રાખતો હતો કે તમે જૂની મમતા બેનરજીની સ્ટાઈલમાં પગલાં લેશો અને આંદોલનકારી જુનિયર ડૉક્ટરો સાથે સીધી વાત કરશો, પરંતુ એવું થયું નહીં. સરકારે લાંબા સમય બાદ આ મામલે કડકતા દાખવી. જો સરકારે ભ્રષ્ટ ડોકટરોની સાંઠગાંઠ તોડીને અન્યાયી પગલાં ભરનારા વહીવટી અધિકારીઓ સામે પગલાં લીધાં હોત, તો બંગાળમાં ઘણા સમય પહેલા સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ ગઈ હોત.

‘મુશ્કેલીનો લાભ વિપક્ષ ઉઠાવી રહ્યો છે’
તેમણે એમ પણ લખ્યું, ‘હું માનું છું કે આંદોલનની મુખ્ય ધારા બિનરાજકીય છે અને તેને રાજકીય કહીને સંઘર્ષ ઊભો કરવો યોગ્ય નથી. અલબત્ત, વિપક્ષી પાર્ટી મુશ્કેલ પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ યુવાનો અને સામાન્ય લોકોનું જૂથ જે દરેક બીજા દિવસે રસ્તાઓ પર આંદોલન કરે છે તે તેમને પ્રોત્સાહન આપતું નથી. તેમને રાજકારણ નથી જોઈતું, ન્યાય જોઈએ છે. આ આંદોલન મહિલા તાલીમાર્થી તબીબો માટે જેટલું છે એટલું જ રાજ્ય સરકારનું છે. આ માટે સરકારમાં તાત્કાલિક સુધારાની જરૂર છે, નહીં તો સાંપ્રદાયિક શક્તિઓ આ રાજ્ય પર કબજો કરી લેશે. મને આ બધું લખવું પડ્યું કારણ કે મને અંગત રીતે વાત કરવાનો મોકો ન મળ્યો. હું ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે મને બંગાળના મુદ્દાઓને સંસદમાં ઉઠાવવાની તક આપી, પરંતુ હવે હું સાંસદ પદે રહેવા માંગતો નથી.

દરમિયાન TMC નેતાએ રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા બાદ BJP IT સેલના વડા અમિત માલવિયાએ મમતા બેનરજી પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે ટીએમસીના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે ટીએમસી સંચાલિત પશ્ચિમ બંગાળ સરકારમાં ભ્રષ્ટાચાર અને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસમાં ગેરવહીવટને કારણે રાજીનામું આપ્યું છે. મમતા બેનરજી માટે પાઠ શીખવાનો અને પદ છોડવાનો સમય આવી ગયો છે. મમતાએ કોલકાતા પોલીસ કમિશનર સાથે મળીને યુવાન ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યા સાથે જોડાયેલા તમામ પુરાવાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે હું એ બાબતનો પુનરૂચ્ચાર કરું છું કે જ્યાં સુધી મમતા બેનરજી અને કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ રાજીનામું નહીં આપે ત્યાં સુધી સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ શક્ય નથી. ગુનાના 72 કલાક સુધી સીએમ અને કોલકાતાના સીપીના કોલ રેકોર્ડ જાહેર કરવા જોઈએ. તેમની વાતચીતની તપાસ થવી જોઈએ. સત્ય બહાર લાવવા માટે મમતા બેનરજી અને વિનીત ગોયલનો પોલીગ્રાફ ટેસ્ટ થવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button