કોલકત્તા ગેંગરેપ કેસમાં TMCના નેતાઓએ કર્યો બફાટ, મહુઆ મોઈત્રાએ લીધા આડે હાથ

કોલકત્તા: દક્ષિણ કોલકત્તાની જાણીતી લૉ કોલજના પરિસરમાં થયેલી ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. પીડિતાની ફરિયાદના આધારે કોલકત્તા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. જોકે ચાર પૈકીનો એક આરોપી મનોજીત મિશ્રા તૃણમૃલ કૉંગ્રેસ વિદ્યાર્થી પરિષદનો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યો છે. સાથોસાથ તે ટીએમસીના વિદ્યાર્થી સંગઠનના દક્ષિણ કોલકાતા વિંગનો સંગઠન સચિવ પણ છે. તેથી રાજકારણ પણ ગરમાયું છે. જેમાં તૃણમૃલ કૉંગ્રેસ(TMC)ના નેતાઓએ બોલવામાં ભાંગરો વાટ્યો છે.
છોકરી ત્યાં કેમ ગઈ?: TMC ધારાસભ્ય મદન મિત્રા
ગેંગરેપ જેવી સંવેદનશીલ ઘટનામાં પશ્ચિમ બંગાળના સત્તાપક્ષના નેતાઓએ બફાટ કર્યો છે. શનિવારે 26 પરગણા જિલ્લાની કમરહાટી વિધાનસભાના ધારાસભ્ય મદન મિત્રાએ નિવેદન આપ્યું હતું કે, “જો પીડિતા ત્યાં ન ગઈ હોત, તો આ ઘટના ના ઘટી હોત. જો પીડિતા કોઈને કહીને ગઈ હોત કે તે ક્યાં જઈ રહી છે અથવા કે પોતાના કેટલાક મિત્રોને સાથે લઈને ગઈ હોત, આ બધુ ન થાત. આરોપીઓએ પીડિતાની આ બેદરકારીનો લાભ ઊઠાવ્યો છે.”
મદન મિત્રાની જેમ સેરામપોર લોકસભાના સાંસદ કલ્યાણ બેનર્જીએ નિવેદન આપ્યું હતું કે, “જો કોઈ મિત્ર પોતાના મિત્ર સાથે રેપ કરે તો શું કરી શકાય? શું હવે શાળા અને શૈક્ષણિક સંસ્થાઓમાં પોલીસ તૈનાત રહેશે? આ એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થી પર કરવામાં આવ્યું છે. તેની(પીડિતા) સુરક્ષા કોણ કરશે? આવા ગુનાઓ અને છેડતી કોણ કરે છે? થોડા ઘણા પુરુષો એવું કરે છે, તો મહિલાઓએ કોની સામે લડવું જોઈએ? મહિલાઓએ આવા વિકૃત પુરુષો સામે લડવું જોઈએ.”
મહિલાઓનો દ્વેષ પક્ષથી પરે છે: મહુઆ મોઇત્રા
પોતાના પક્ષના નેતાઓએ કરેલી ટીપ્પણીઓને લઈને TMCના એક્સ હેન્ડલ પર જણાવવામાં આવ્યું હતું કે, દક્ષિણ કલકત્તા લો કોલેજમાં થયેલા જઘન્ય ગુના અંગે સાંસદ કલ્યાણ બેનર્જી અને ધારાસભ્ય મદન મિત્રાએ કરેલી ટિપ્પણીઓ તેમની વ્યક્તિગત હતી. પક્ષ સ્પષ્ટપણે તેમના નિવેદનોથી પોતાને અલગ કરે છે અને તેની સખત નિંદા કરે છે. તેમના વિચારો કોઈપણ રીતે પક્ષના વલણને પ્રતિબિંબિત કરતા નથી. અમારું વલણ મક્કમ છે; અમે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે ઝીરો ટોલરન્સ ધરાવીએ છીએ અને આ જઘન્ય ગુનામાં સામેલ તમામ લોકો માટે શક્ય તેટલા કઠોર દંડની માંગ કરીએ છીએ.”
TMCના નેતાઓએ કરેલા વાણીવિલાસને લઈને કૃષ્ણનગર લોકસભાના TMCના જ સાંસદ મહુઆ મોઈત્રાએ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મહુવા મોઈત્રાએ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, “ભારતમાં મહિલાઓ પ્રત્યેના દ્વેષ પક્ષની સીમાઓથી પરે છે. તૃણમુલ કૉંગ્રેસની ખાસ વાત એ છે કે, અમે આવી ઘૃણાસ્પદ ટિપ્પણીઓની નિંદા કરીએ છે. પછી ભલે તેને ગમે તે વ્યક્તિએ કરી હોય.”
ટિપ્પણી બાદ TMCના નેતાઓએ આપી સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે, પોતાના નિવેદનોને લઈને વિવાદ વકરતા બંને નેતાઓએ સ્પષ્ટતા આપી છે. મદન મિત્રાએ એક્સ પર જણાવ્યું હતું કે, “હું આરોપીઓની ગુનાખોરી પર છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી. TMCની ઇમેજ ખરાબ કરવા માટે કેટલાક લોકો મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.” જોકે કલ્યાણ બેનર્જીએ તો પોતાના પક્ષની સામે જ પ્રશ્નો કર્યા છે.
કલ્યાણ બેનર્જીએ એક્સ પર લખ્યું કે, “હું @AITCofficialની પોસ્ટ સાથે સંપૂર્ણપણે અસંમત છું. શું તેઓ આ ગુનેગારોને રક્ષણ આપનારા નેતાઓને આડકતરી રીતે ટેકો આપી રહ્યા છે? મારા શબ્દો અને નિવેદનો પાછળના હેતુને સાચા અર્થમાં સમજવા માટે, ચોક્કસ સ્તરની નૈતિક અને બૌદ્ધિક ક્ષમતા હોવી જરૂરી છે – જે કમનસીબે ગાયબ છે.”
આ પણ વાંચો…કોલકાતા ગેંગરેપ કેસમાં પોલીસની કડક કાર્યવાહી, ચોથા આરોપી પિનાકી બેનર્જીની ધરપકડ