તિરુમાલા મંદિર ટ્રસ્ટના અધિકારી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતાં, ટ્રસ્ટે કાર્યવાહી કરી

તિરુપતિ: આંધ્ર પ્રદેશના તીર્થ સ્થાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના વહીવટની દેખરેખ રાખતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) હાલ વિવાદોમાં ઘેરાયું છે. TTDએ તેના સહાયક કાર્યકારી અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, તેમના પર ચર્ચામાં પ્રાર્થના માટે જવાનો અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો આરોપ લાગવવામાં આવ્યો છે. TTD અગાઉ સમાન આરોપસર લગભગ 18 કર્મચારીઓને સસ્પેન્ડ કરી ચુક્યું છે, જેના કારણે ટ્રસ્ટ વિવાદમાં ઘેરાયું છે.
TTDએ સહાયક કાર્યકારી અધિકારી એ. રાજશેખર બાબુને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમના પર આરોપ છે કે તેઓ દર રવિવારે તિરુપતિ જિલ્લામાં આવેલા તેમના વતનમાં એક ચર્ચમાં પ્રાર્થના માટે હાજરી આપે છે. તેમના પર ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કામ પણ કરી રહ્યા હોવાનો આરોપ છે. તેમની આ પ્રવૃતિઓએ હિન્દુ ટ્રસ્ટોમાં સામેલ કર્મચારીઓ માટેની આચારસંહિતાનું ઉલ્લંઘન છે.
મંદિર ટ્રસ્ટે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે, “આ TTDના ધોરણોનું ઉલ્લંઘન છે, કારણ કે તેણે સંસ્થાના કર્મચારી તરીકે TTDની આચારસંહિતાનું પાલન કર્યું નથી, અને હિન્દુ ધાર્મિક સંગઠનનું પ્રતિનિધિત્વ કરતા કર્મચારી તરીકે બેજવાબદારીપૂર્વક વર્તન કરવામાં આવ્યું છે.”
તપાસ બાદ કરવામાં આવી કાર્યવાહી:
ટ્રસ્ટના વિજિલન્સ વિભાગએ રજૂ કરેલા તપાસ અહેવાલ અને અન્ય પુરાવાઓના આધારે, TTDએ જણાવ્યું હતું કે તાત્કાલિક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે અને અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. અહેવાલો મુજબ એ રાજશેખર બાબુ ચર્ચમાં જતા અને પ્રાર્થનામાં હાજરી આપતા હોવાનો વિડીયો પણ રજુ કરવામાં આવ્યો છે.
TTDમાં અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે, ગત ફેબ્રુઆરી મહિનામાં ટ્રસ્ટે છ શિક્ષકો સહિત 18 સ્ટાફ મેમ્બર સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. તમામ સભ્યો પર બિન-હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાનો આરોપ લાગવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારતની ચિંતા વધારશે! ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે આપી ચેતવણી
વિવાદોમાં ઘેરાયેલું રહેતું મંદિર:
તિરુમાલા મંદિરને વિશ્વના સૌથી ધનિક હિન્દુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં આ મંદિર ઘણા સામાજિક અને રાજકીય વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે.
એ. રાજશેખર બાબુને તિરુપતિ જિલ્લામાં સ્થિત તેમના વતન પુટ્ટુરમાં ખ્રિસ્તી પ્રાર્થના સેવાઓમાં કથિત રીતે હાજરી આપવા બદલ સસ્પેન્ડ કરવમાં આવ્યા છે. TTDમાં પ્રકાશમાં આવેલી આ ઘટનાઓથી પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મના વધી રહેલા પ્રભાવ અંગે પણ ચર્ચા શરુ થઇ છે.