જો કોઈ આપણને છંછેડશે તો તેને છોડીશું નહીંઃ તિરંગા યાત્રામાં યોગીનો પાકિસ્તાન પર પ્રહાર | મુંબઈ સમાચાર
નેશનલ

જો કોઈ આપણને છંછેડશે તો તેને છોડીશું નહીંઃ તિરંગા યાત્રામાં યોગીનો પાકિસ્તાન પર પ્રહાર

લખનઉઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. સેનાએ તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનઉમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જે બાદ તેમણે સંબોધનમાં કહ્યું, સમગ્ર ભારત દેશની સેનાના બહાદુર જવાનોને અભિનંદન આપવા આતુર છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ઈરાદા પર પાણી ફેરવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપીએ છીએ.

આ ઘટના અંગે પાકિસ્તાન મૌન રહ્યું હતું. આતંકી હુમલા અંગે તમામ પુરાવા આપવા છતાં પાકિસ્તાને તેની ભૂમિકાથી ઈનકાર કર્યો હતો. ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે 100થી વધારે આતંકીને મારવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને સાબિત કર્યું કે, જો કોઈ આપણને છંછેડશે તો તેને છોડીશું નહીં.

એક સમય એવો આવશે કે પાકિસ્તાનને આતંકવાદ જ ભરડો લઈ ચુક્યું હશે. આજે પાકિસ્તાન પાયમાલ થઈ ગયું છે. પાકિસ્તાનના પ્રધાન તથા સૈન્ય અધિકારી કેવી રીતે આતંકીઓના જનાજામાં સામેલ થયા તે સમગ્ર વિશ્વએ જોયું હતું. તિરંગા યાત્રા ભારતના શૌર્ય તથા પરાક્રમનું પ્રતીક છે.

શું હતો ઘટનાક્રમ

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના 15 દિવસ પછી, ભારતે 7-8 મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. શનિવારે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.

આપણ વાંચો:  ભારતને મળ્યા નવા મુખ્ય ન્યાયધીશ; રાષ્ટ્રપતિ મુર્મુએ બી આર ગવઈને શપથ લેવડાવ્યા

Back to top button