મોદી સરકારે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો એ IAS અધિકારીને ABVPએ ગણાવી રીલ સ્ટાર, બે વિદ્યાર્થીને જેલમાં પૂરી દીધા

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આઈ.એ.એસ. (IAS) અધિકારી ટીના ડાબીને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણીએ રાજકીય અને વહીવટીમાં ગરમાવો લાવી દીધો છે. ફી વધારાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન કલેક્ટરને ‘રીલ સ્ટાર’ તરીકે સંબોધવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા છે.
બાડમેરની મુલ્તાનમલ ભીખચંદ છાજેડ મહિલા કોલેજ બહાર વિદ્યાર્થીનીઓ ફી વધારા સામે વિરોધ કરી રહી હતી. આ પ્રદર્શનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના નેતાઓ પણ જોડાયા હતા. સૂત્રોચ્ચાર દરમિયાન કલેક્ટર ટીના ડાબી માટે ‘રીલ સ્ટાર’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ પોલીસે બે વિદ્યાર્થી નેતાઓને કસ્ટડીમાં લેતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કરી દીધા હતા.
ધરણા પર બેઠેલી વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે કલેક્ટરને ‘રીલ સ્ટાર’ કહેવામાં કંઈ ખોટું નથી, કારણ કે તેમની દરેક કામગીરીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. વિદ્યાર્થીનીઓએ પ્રશાસનના ‘નવો બાડમેર’ અભિયાન પર પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોલેજ પાસે કચરાના ઢગલા પડ્યા છે તેની કોઈને ચિંતા નથી. વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે માત્ર ટિપ્પણીને કારણે જ વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરી હતી.
આ વિવાદ અંગે જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ જણાવ્યું હતું કે આ મામલાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદર્શન દરમિયાન અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કોઈ કેસ દાખલ કર્યા વગર જ બંને નેતાઓને મુક્ત કરી દીધા હતા. નેતાઓની મુક્તિ બાદ વિદ્યાર્થીનીઓએ પણ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકો તેને વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની આઝાદી માની રહ્યા છે, તો કેટલાક લોકો વહીવટી પદ પર બેઠેલા અધિકારીઓ પ્રત્યે માન જળવાવું જોઈએ તેવી દલીલ કરી રહ્યા છે. હાલમાં બાડમેરમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ ફી વધારાનો મુદ્દો હજુ પણ વણઉકેલ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.



