તમિલનાડુમાં દ્રવિડ રાજનીતિનો સમય સમાપ્ત? એક્ઝિટ પોલ મુજબ ભાજપને આટલી બેઠકો મળશે
ચેન્નઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપ(BJP)ને ફરી સ્પષ્ટ બહુમતી મળે એવા તારણો રજુ કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ મુજબ દક્ષિણ ભારતના તમિલનાડુ(Tamilnadu)માં પણ ભાજપને ફાયદો થઇ શકે છે. NDTVના પોલ ઓફ પોલ્સ અનુસાર, તમિલનાડુમાં ભાજપને ત્રણ બેઠકો મળે એવી શક્યતા છે, ભાજપ તમિલનાડુની 39 બેઠકો માંથી 23 સીટો પર ચૂંટણી લડી રહી છે. પોલ મુજબ, પટ્ટલી મક્કલ કાચી(PMK)ને 10 અને અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (AMMK)ને બે બેઠકો મળી શકે છે.
અગાઉ 2014ની ચૂંટણીમાં ભાજપે ચાર અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું, જેને 5.5 ટકા મત મળ્યા હતા અને તેના સાથી પક્ષોમાં માત્ર PMKએ એક જ એક બેઠક જીતી હતી. 2019ની ચૂંટણીમાં, NDA સાથે રાજ્યની મુખ્ય પાર્ટીઓમાંની એક AIDMKએ 21, PMKએ સાત અને ભાજપે પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી. પરંતુ માત્ર AIADMKને એક બેઠક જીતી શકી હતી જ્યારે ભાજપનો વોટ શેર ઘટીને 3.7 ટકા થઈ ગયો હતો.
પરંતુ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તમિલનાડુમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભાજપે 20 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2.6 ટકા મતો સાથે ચાર બેઠકો જીતી હતી, અગાઉ 2016ની ચૂંટણીમાં ભાજપે 187 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેને 2.9 ટકા વોટ મળ્યા, પરંતુ એકપણ સીટ મળી ન હતી.
આ પણ વાંચો: સામ પિત્રોડાના નિવેદન પર તમિલનાડુનાં ભાજપ પ્રમુખે કહ્યું “આ માટે જ ભારતને કોંગ્રેસ મુક્ત થવાની આવશ્યકતા”
હવે પાંચ વર્ષ બાદ રાજ્યમાંથી ભાજપ માટે સારા સમાચારની અપેક્ષા છે. પોલ ઓફ પોલમાં તામિલનાડુને ત્રણ સીટો મળી શકે એવું તારણ આપવામાં આવ્યું છે. જ્યારે ન્યૂઝ 24 માટે ટુડેઝ ચાણક્ય દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ ભાજપને તમિલનાડુમાં 10 બેઠકો મળી શકે છે.
ભાજપ માટે આ અંદાજને તમિલનાડુની દ્રવિડ રાજનીતિ પર ભાજપની હિન્દુત્વની રાજનીતિની જીત તરીકે જોવામાં આવી રહી છે. તમિલનાડુમાં ભાજપની છબી બ્રાહ્મણવાદી અને હિન્દી તરફી પક્ષની છે, તેથી તેને ત્યાં પ્રસાર કરવો મુશ્કેલ છે.
1998માં AIADMK નેતા જયલલિતાનાએ અટલ બિહારીની સરકારને ટેકો આપ્યો હતો, જયલલિતા બ્રાહ્મણ હતા અને દ્રવિડ રાજનીતિ કરતા હતા, જયલલિતાએ સમર્થન પાછું ખેંચતા આ સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ ચૂંટણીમાં ડીએમકેએ ભાજપ સાથે હાથ મિલાવ્યા, વાજપેયીની સરકાર પાંચ વર્ષ સુધી ચાલી. પરંતુ 2004ની ચૂંટણી પહેલા તેમણે ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યા હતા.
આ વર્ષે ભાજપે ફરી એક વખત AIADMKને પોતાની સાથે સમજુતી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત આગળ વધી નહીં. આ પછી ભાજપે દ્રવિડ રાજનીતિ કરતા બંને પક્ષોને છોડીને પોતાના દમ પર ચૂંટણી લડી હતી.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ IPS અધિકારી કે અન્નામલાઈએ દ્રવિડિયન રાજનીતિ સામે હિંદુત્વની રાજનીતિને આગળ વધારવા માટે સખત મહેનત કરી છે. તમિલનાડુમાં ભાજપે ઉત્તર ભારતની ફોર્મ્યુલા લાગુ કરી છે. ત્યાં તેમણે પાર્ટીના મોટા પદો પર OBCની મોટી જાતિઓને સ્થાન આપ્યું છે, જેનો ફાયદો ભાજપને થતો જણાય છે. ભાજપે બ્રાહ્મણો અને પછાત જાતિઓને એક કરવાનો પ્રયાસ કરી રહી છે, જો તેના પ્રયાસો સફળ થશે તો ભાજપ ત્યાં ત્રીજા પક્ષ તરીકે ઊભું થશે.
આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમિલનાડુમાં ઘણી મહેનત કરી છે. વડાપ્રધાન મોદીએ તમિલનાડુમાં 11 ચૂંટણી રેલીઓને સંબોધી હતી તમિલનાડુને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં તમિલ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસદની નવી ઇમારતમાં લગાવવામાં આવેલ સેંગોલ પણ તમિલનાડુથી આવ્યું છે.