નેશનલ

ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું: ૨૧૨ તાલુકામાં કમોસમી વરસાદ

આ સિમલા કે મનાલી નથી: રાજકોટમાં રવિવારે બરફનો વરસાદ પડતાં નગરજનો તેનો આનંદ લેવા નીકળી પડ્યા હતા.

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પલટાયેલા વાતાવરણને અંતે શનિવારની રાતથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી માવઠાની એન્ટ્રી થયાં બાદ રવિવાર લગભગ સમગ્ર રાજ્યને કમોસમી વરસાદે ઘમરોળ્યું હતું. અચાનક આવેલા વરસાદથી ખેતરમાં કાપણી કરાયેલો પાક અને ખુલ્લામાં રહેલી જણસી પર પાણી ફરી વળ્યું હતું. બીજી બાજુ વીજળી પડતા અને વરસાદી અકસ્માતમાં ૧૪ જેટલાં લોકોનાં મોત થયાં હતાં. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભરમાં ૪૬ મિ.મી. નોંધાયો હતો. બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જાપાનનાં પ્રવાસે ગયેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સાથે ટેલીફોનિક વાત કરીને માવઠાની આપત્તિની જાણકારી મેળવી હતી.

ગુજરાતમાં શનિવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં શરૂ થયેલો કમોસમી વરસાદ રવિવારે પણ ચાલુ રહ્યો હતો. બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. રવિવારે બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૧૨ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સવારના છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં રાધનપુરમાં ૪૮ મિમી, લોધિયામાં ૪૭ મિમી, તાલાલામાં ૪૬ મિમી, અંકલેશ્ર્વરમાં ૪૫ મિમી, વંથલીમાં ૪૩ મિમી, નડિયાદમાં ૩૯ મિમી, દસાડામાં ૩૬ મિમી, હાંસોટમાં ૩૯ મિમી, સુરત શહેરમાં ૩૮ મિમી, વેરાવળમાં ૩૫ મિમી, મોડસામાં ૩૪ મિમી, કેશોદમાં ૨૯ મિમી, કલ્યાણપુરમાં ૨૯ મિમી, સાગબારામાં ૨૮ મિમી, ઓલપાડમાં ૨૮ મિમી, સાંતલપુરમાં ૨૭ મિમી, ઉમરપાડામાં ૨૭ મિમી, ગઢડામાં ૨૭ મિમી, લોધિકામાં ૨૬ મિમી, લિલિયામાં ૨૬ મિમી, ભરૂચમાં ૨૬ મિમી, વિરપુરમાં ૨૬ મિમી, સોનગઢમાં ૨૫ મિમી, વિજાપુરમાં ૨૪ મિમી, ચુડામાં ૨૪ મિમી, માંડવીમાં ૨૩ મિમી અને ગાંધીધામમાં ૨૧ મિમી કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મહેસાણામાં ત્રણ પશુઓનાં મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદની તારાજી સર્જાઈ હતી, જેમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે જોત જોતામાં સેંકડો સ્ટોલને જમીનદોસ્ત કરી દીધા હતા. વરસાદથી બચવા માટે અમુક પાથરણાવાળા એક સ્ટોલમાં આશરો લેવા ગયા હતા, જે સ્ટોલ જ ધરાશાયી થતાં સ્ટોલના કાટમાળ નીચે એક વૃદ્ધા સહિત ચારથી વધુ લોકો દબાયા હતા. જેઓને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યાં હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધા સહિત બેને સારવાર માટે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યાં હતા. અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને સવારથી જ રાત જેવું અંધારું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે સાંજે સાડા પાંચ વાગે ફરી કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમા વાદળછાયું વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગ દ્વારા માવઠાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યાં હોવાથી માછીમારો માટે ચેતાવણી જાહેર કરવામાં આવી છે. પવનની ગતિ ૪૦થી ૬૦ કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા હોય દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા જણાવવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા