
અમેરિકા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરી રહ્યું છે. તેમને લશ્કરી વિમાનમાં ભરી ભરીને તેમના દેશોમાં મોકલી આપવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં બેથી ત્રણ ફ્લાઈટમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત મોકલવામાં આવ્યા છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા એક ભારતીયએ ખુલાસો કર્યો છે કે શીખ ધર્મ સાથે સંકળાયેલી તેની પવિત્ર પાઘડીનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેને ડિટેન્શન સેન્ટરમાં કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી. દવિંદર સિંહની 27મી જાન્યુઆરીએ સરહદ પાર કરી અમેરિકામાં ઘુસવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને 15 મી ફેબ્રુઆરીના રોજ અમેરિકન લશ્કરી વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા.
દવિંદર સિંહે પોતાના ૧૮ દિવસના અનુભવને ઘણો પીડાજનક કારણે માનસિક રીતે આઘાતજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અટકાયત કેન્દ્રમાં અધિકારીઓ દ્વારા શીખ ઇમિગ્રન્ટ્સની પાઘડી કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી હતી જે જોવું બહુ જ પીડાદાયક હતું.
દવિંદર સિંહે એમ પણ જણાવ્યું હતું કે ડિટેન્શન સેન્ટરના એક હોલમાં વિવિધ દેશોના લગભગ 60 કે 70 ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવ્યા હતા અને તેમના પર યુએસ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. તેમણે અને તેમની સાથેના કેટલાક શીખોએ માનસિક શાંતિ જાળવવા માટે શીખ ધાર્મિક ગ્રંથોના પાઠ કર્યા હતા. તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે તેમને યોગ્ય ખોરાક આપવામાં આવતો ન હતો અને તેમને ફક્ત પાતળા ધાબળા આપવામાં આવતા હતા જ્યારે ત્યાં આગળ એસી બહુ જ ઓછા તાપમાન પર ચલાવવામાં આવી રહ્યું હતું અને તેમણે જ્યારે અધિકારીઓને ઠંડી વિશે વાત કરી ત્યારે તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. તેમને દિવસમાં પાંચ વખત ચિપ્સ અને જ્યુસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત કાચી પાકી, રોટલી, ભાત, સ્વીટ કોર્ન અને કાકડી આપવામાં આવતી હતી. શાકાહારી હોવાને કારણે તેમને બીફ જેવો માંસાહારી ખોરાક આપવામાં આવતો ન હતો. 18 દિવસમાં ફક્ત તેમને ફક્ત બે વખત જ સ્નાન કરવાની તક મળી હતી અને આખો સમયે તેમને ગંદા કપડા પહેરી રાખવા પડ્યા હતા.
આ પણ વાંચો…આજે જાહેર થશે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનનું નામ, વિધાન સભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય
દવિંદર સિંહ પંજાબના હોશિયારપુર જિલ્લાના નાગલ જલાલપુર ગામનો રહેવાસી છે. તેણે કહ્યું હતું કે મેં વધુ સારા જીવનની આશામાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું અને 28 જૂનના રોજ મારી લાંબી યાત્રા શરૂ કરી હતી. એણે અનેક દેશોમાં થઈને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ભરત ફર્યા બાદ દવિંદર સિંહે કહ્યું કે તે હવે તેના પિતાની ઇલેક્ટ્રોનિક રીપેર શોપમાં કામ કરશે. અમેરિકા જવાની ઘેલછામાં તેણે લગભગ 40 લાખ રૂપિયા વેડફી નાખ્યા છે અને હવે તેને તેની ભૂલનો પસ્તાવો થયો છે.