ભારતમાં 100 વર્ષથી વધુ જીવવા માટે ત્રણ બાબતો જરૂરી, રીસર્ચમાં થયો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ લોકોને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું ગમે છે. એક રીસર્ચમાં 100 વર્ષથી વધુ જીવવા માટે ત્રણ બાબતો જરૂરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રીસર્ચમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની પ્રોફાઇલિંગ પર કેટલીક શીખ આપવામાં આવી છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાનો રહસ્ય કોઈ મોંઘી દવા કે જટિલ વિજ્ઞાનમાં નથી, પરંતુ આપણા ખાન-પાન અને જીવનશૈલીમાં છુપાયેલું છે.
સંશોધનમાં સામેલ 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોના હેલ્થ માર્કર્સથી વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમની તંદુરસ્તી અંગે જે પેટર્ન સામે આવી તે મુજબ લાંબી ઉંમર અને રોગોની ગેરહાજરી વચ્ચે સીધો સંબંધ છે. વૃદ્ધોની જીવનશૈલીમાંથી ત્રણ વસ્તુઓ સામે આવી હતી. જેનો તેમની લાંબી ઉંમરના રહસ્યો સાથે સંબંધ હોઈ શકે છે.
વજન પર નિયંત્રણઃ 100 વર્ષના અડધાથી વધુ (55.5 ટકા) લોકો એકદમ સામાન્ય BMI (બોડી માસ ઇન્ડેક્સ) ધરાવતા હતા. જ્યારે 41 ટકા ઓછા વજનવાળા (અંડરવેઇટ) જોવા મળ્યા. સૌથી મોટી વાત એ છે કે તેમાંથી એક પણ વ્યક્તિ વધારે વજનવાળી (ઓવરવેઇટ) નહોતી. 91 ટકાથી વધુ લોકોની કમરનો માપ સામાન્ય હતો, જે દુબળી-પાતળી અને ચુસ્ત જીવનશૈલીના મહત્વને દર્શાવે છે.
રોગોની ગેરહાજરીઃ જે ઉંમરે લોકો સંધિવા, ડાયાબિટીસ અને હૃદય રોગોથી ઝઝૂમે છે, તે આ સેમ્પલોમાં સામેલ લોકોમાં જોવા નહોતા મળ્યા. હાઈ કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક કે ગંભીર હૃદય રોગનો એક પણ કેસ નહોતો મળ્યો. ડાયાબિટીસના કેસ માત્ર 1.7 ટકા જ હતા.
ખરાબ ટેવોથી દૂરઃ લાંબી ઉંમરનો સીધો સંબંધ ખરાબ ટેવોથી દૂર રહેવા સાથે છે. સંશોધનમાં સામેલ 90 ટકાથી વધુ લોકોએ ક્યારેય શરાબ પીધી નહોતી. લગભગ 68 ટકા લોકોએ ક્યારેય તમાકુનું સેવન કર્યું નહોતું.
આ પરિણામોએ સ્વાસ્થ્ય નિષ્ણાતોને ભારતમાં હવે જાહેર આરોગ્યની ચર્ચાની દિશા બદલવી પડશે તેમ માનવા મજબૂર કર્યા હતા. ડૉકટરો અને નિષ્ણાતોએ શહેરોમાં રહેતા વૃદ્ધો અને યુવાનોને સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે જાગૃત કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
હેલ્થ નીતિઓ હવે માત્ર દવા પર નહીં પણ વ્યવહારમાં બદલાવ લાવવા પર ભાર આપવો જોઈએ.
ઓછી ચરબી યુકત ખોરાક લેવો જોઈએ, ખાંડ અને મીઠાનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તેમજ તમાકુ અને દારૂથી અંતર જાળવવું જોઈએ. ઉપરાંત રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.
આ રિસર્ચ બતાવે છે કે લાંબુ આયુષ્ય કોઈ ચમત્કાર નથી પરંતુ જો યોગ્ય જીવનશૈલી અપનાવવામાં આવે તો આપણે પણ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવી શકીએ છીએ.
Discliamer: અહીં આપવામાં આવેલી માહિતી રીસર્ચ પર આધારિત છે. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો.



