અરૂણાચલમાં એનએસસીએન-કેવાયએના ત્રણ બળવાખોર ઠાર

ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશના લોંગડિંગ જિલ્લામાં સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણ દરમિયાન અપહ્યત બાંધકામ કામદારને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(કેવાયએ) જૂથના ત્રણ બળવાખોરોને ઠાર કરવામાં આવ્યા હતા. આ માહિતી સંરક્ષણ પ્રવક્તાએ આપી હતી.
નાગાલેન્ડ સ્થિત સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અમિત શુક્લા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ૨૫ એપ્રિલના રોજ અરૂણાચલ પ્રદેશના લોંગડિંગ જિલ્લાના પંગચાઓ વિસ્તારમાંથી બે બાંધકામ કામદારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. મળેલી ચોક્કસ બાતમીના આધારે ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને જિલ્લા પોલીસના જવાનોએ રવિવારે પંગચાઓ વિસ્તારમાં એક વિશાળ સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો: અરૂણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને ભારતનો પ્રદેશ બતાવવતા ચીન થયું નારાજ, કહ્યું કે…..
લેફ્ટનન્ટ કર્નલ શુક્લાએ નિવેદનમાં જણાવ્યું કે સંપર્ક સ્થાપિત થયો અને ત્યારબાદ થયેલા ગોળીબારમાં એનએસસીએન(કેવાઇએ) જૂથના ત્રણ કેડરોને ઠાર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે વિસ્તારમાંથી ચાર ઓટોમેટિક હથિયારો, દારૂગોળો અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
પ્રવક્તાએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન અપહ્યત બાંધકામ કામદારોમાંથી એકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે બીજા ગુમ કામદારને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લોંગડિંગ પોલીસ અધિક્ષક ડેકિયો ગુમજા તામિને ઘટનાની પુષ્ટિ કરી હતી. ઘટનાસ્થળેથી ત્રણ શંકાસ્પદ ઉગ્રવાદીઓના મૃતદેહ મળી આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.