નેશનલ

શોકિંગ: ઔરંગાબાદમાં એક દિવસમાં ત્રણ ખેડૂતની આત્મહત્યા

ઔરંગાબાદ: મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યાનો સીલસીલો હજી ચાલી રહ્યો હોવાનું જોવા મળ્યું છે. દરમીયાન ઔરંગાબાદ જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ ખેડૂતોએ તેમની જીવાદોરી ટૂંકાવી આત્મહત્યા કરી હોવાની વિગતો જાણવા મળી છે. બે ખેડૂતોએ ઝેર પી ને અને એકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. કન્નડ તાલુકાના હતનૂરમાં દિનકર બિસનરાવ બિવડે (48), ફુલંબ્રી તાલુકાના પીરબાવડાના માણિકરાવ પાટોલે (55) અને વૈજાપૂર તાલુકાના જરુલમાં અરવિંદ સાહેબરાવ મતસાગર (43) એવા આત્મહત્યા કરનારા ખેડૂતોના નામ છે.

પહેલી ઘટનામાં કન્નડ તાલુકામાં આવેલ હતનૂરમાં દિનકર બિસનરાવ બિવડે નામના ખેડૂતે ખેતરમાં આવેલ તેના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ ઘટના રવિવાર 10મી સપ્ટેમ્બરના રોજ બપોરે બે દરમીયાન દાણવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે દિનકર બિવડેને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. દિનકરે દેવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની વિગતો પરિવારજનોએ આપી હતી.


બીજા બનાવ મુજબ ઓછા વરસાદને કારણે પાકને થયેલ નુકસાનથી હતાશ થઇને પીરબાવડાના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર અર્થે ઔરંગાબાદની ઘાટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમીયાન તેમનું મૃત્યુ થયું હતું.


જ્યારે ત્રીજા બનાવ મુજબ ઓછો વરસાદ, પાકને પહોંચેલું નુકસાન અને દેવાથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી જનાર વૈજાપૂર તાલુકાના જરુલમાં રહેતાં અરવિંદ મતસાગરનું પણ સારવાર દરમીયાન મૃત્યુ થયું હતું. વરસાદના અભાવને કારણે ખરીફ પાકને મોટું નુકસાન થતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોમાં નિરાશા ફેલાઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button