રામ મંદિર અને સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસમાં લાગી એજન્સીઓ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની માહિતી મળી છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈ-મેલ દ્વારા આપી છે. આ ઇ-મેલમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ધમકી આપવામાં આવી છે. આ ઇ-મેલ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવ્યો હતો. આ મામલે લખનઊના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
માહિતી અનુસાર, ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગૌ પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીને 27 ડિસેમ્બરે બપોરે 2:07 વાગ્યે એક ઈ-મેલ મળ્યો હતો, જેમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને આરોપીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભ યશને ઉડાવી દેવાની ધમકી આપી છે. ઈ-મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઝુબેર હુસૈન (ખાન) હોવાનું કહેવાય છે. તેનું કહેવું છે કે તે આતંકી સંગઠન ISI સાથે જોડાયેલો છે અને આ ત્રણ લોકોના કારણે તે પરેશાન છે.
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેવેન્દ્ર તિવારીએ X પર UP 112 ને ટેગ કરીને આ માહિતી આપી હતી. 27મી ડિસેમ્બરની સાંજે દેવેન્દ્રને એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં દેવેન્દ્ર તિવારીએ સરકાર અને વહીવટીતંત્ર પાસે સુરક્ષાની માગ કરી હતી અને જણાવ્યું હતું કે જો આ અંગે સંજ્ઞાન લેવામાં નહીં આવે, તો તેમને પણ ગૌ સેવાના નામે શહીદ થવું પડશે.
હાલમાં તો એજન્સીઓએ ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધવાનું શરૂ કરી દીધું છે. લખનૌ પોલીસની સાથે એટીએસ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. આઈપી એડ્રેસ દ્વારા ઈ-મેલ મોકલનારનું લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ લખનૌના આલમબાગમાં રહેતા દેવેન્દ્ર તિવારીના ઘરે એક બેગમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સાથે દેવેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એમ જાણવા મળ્યું છે કે દેવેન્દ્રએ ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેના કારણે તેમને સતત ધમકીઓ મળી રહી હતી. જો કે તે સમયે પોલીસ આરોપીઓને શોધી શકી ન હતી.
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેના માટે પહેલેથી જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેથી સરકાર હાલની ધમકીને હળવાશમાં નથી લઇ રહી.