નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી: ભારત-પાક મેચ પહેલાં લોખંડી સુરક્ષા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ૧૪મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ એનઆઇએ અને મુંબઇ પોલીસને મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્ર્નોઇને છોડી મૂકવાની માગણી કરવામાં આવી છે અને રૂ. ૫૦૦ કરોડ માગવામાં આવ્યા છે. આ ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ અમદાવાદ પોલીસ સતર્ક થઇ ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઇ ગઇ છે. સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. મેચ નિહાળવા આવનારા પ્રેક્ષકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે. ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબરના રોજ મેચ રમાનારી છે, પરંતુ ધમકીને લઇને ૧૧ ઑક્ટોબરથી જ સ્ટેડિયમ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હોટલ, ઢાબા અને ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાશે. અમદાવાદ અને ગુજરાત પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવશે.