અયોધ્યા રામ મંદિર પર આતંકી હુમલાનો ખતરો? એનએસજીએ કરી આ તૈયારી…
અયોધ્યા: સદીઓના ઇંતેજાર, કાયદાકીય લડત અને અનેક વિવાદો બાદ નિર્માણ થયેલા અયોધ્યાના રામ મંદિર પર તેનું નિર્માણ થયું ત્યારથી જ આતંદવાદી હુમલાનો ખતરો હોવાનું કહેવાઇ રહ્યું છે ત્યારે હવે આતંકી હુમલાનો ખતરો વધુ જણાતા એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દેશની અત્યંત ખતરનાક અને સુસજ્જ કમાન્ડો ફોર્સ એનએસજી(નેશનલ સિક્યોરિટી ગાડર્સ) એટલે કે બ્લેક કેટ કમાન્ડોના ખભે સલામતીની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલ છે. પ્રશાસન દ્વારા અયોધ્યામાં એનએસજીનું એક હબ એટલે કે કેન્દ્ર બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. આ માટે 17 જુલાઇના રોજ એનએસજીની એક ટીમ અયોધ્યા મંદિર પરિસરની સમીક્ષા કરવા માટે પહોંચશે, તેવી જાણકારી પણ મળી છે.
આ ટીમ અયોધ્યા રામ મંદિર પરિસરનું નિરીક્ષણ કરી ત્યાંની સુરક્ષાની સમીક્ષા કરશે. ત્રણ દિવસ સુધી એટલે કે 20 જુલાઇ સુધી આ ટીમ અહીં રોકાશે અને પરિસરની રજેરજની જાણકારી મેળવશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે બાવીસ જાન્યુઆરીના રોજ અહીં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં જબ્બર વધારો થયો છે. લગભગ એક લાખ શ્રદ્ધાળુઓ દરરોજ અહીં ભગવાન રામના દર્શન કરવા આવે છે. જેને પગલે અહીંની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે અયોધ્યામાં એનએસજી કમાન્ડોનું હબ બનાવવાનો વિચાર કેન્દ્ર સરકાર કરી રહી છે. જેથી શ્રદ્ધાળુઓ અને મંદિરની સુરક્ષામાં કોઇપણ પ્રકારની કચાશ ન રહે.
એનએસજી એ દેશની એલિટ એટલે કે સર્વોચ્ચ દરજ્જાની ફોર્સ છે. મરીન કમાન્ડોઝ(માર્કોસ), પેરા રેજીમેન્ટ(પેરેશૂટ રેજીમેન્ટ), ઘાતક ટુકડી, કોબ્રા કમાન્ડોસની જેમ જ એનએસજીમાં દેશના સર્વશ્રેષ્ઠ કમાન્ડોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે હવે રામનવમી, પવિત્ર શ્રાવણ મહિનો, કાર્તિક પરિક્રમા મેળા જેવા ઉત્સવો હોવાને પગલે અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ છે અને તેમની સુરક્ષા માટે અહીં એટીએસ(એન્ટિ ટેરેરિઝમ સ્ક્વૉડ), એસએસએફ(સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ), પીએસી(પ્રોવિઝનલ આર્મ્સ કોન્સ્ટેબ્યુલરી), સીઆરપીએફ(સેન્ટ્રલ રિઝવર્ડ પોલીસ ફોર્સ) તહેનાત છે. એસએસએફના જવાનોને એનએસજી દ્વારા જ ટ્રેનિંગ આપવામાં આવી છે. હાલ અહીં 200 જેટલા કમાન્ડો તહેનાત છે જે ચોવીસ કલાક મંદિરની સુરક્ષા માટે સજ્જ હોય છે.
જોકે, રામ મંદિર પર હુમલાનો ખતરો નવી વાત નથી. 2005માં પણ જ્યારે મંદિરનું નિર્માણ નહોતું થયું અને ભગવાન રામની મૂર્તિ એક ટેન્ટમાં રાખવામાં આવી હતી ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જોકે સુરક્ષા દળોએ હુમલો કરવા આવેલા પાંચેય આતંકવાદીઓને ઢેર કરી નાંખ્યા હતા. આ ઘટના બાદ રામ મંદિરની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી હતી.
એવામાં હવે મંદિર બની ગયું છે અને શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધુ છે ત્યારે હુમલો કરીને વધુમાં વધુ લોકોના જીવ લઇ શકાય અને રામ મંદિરને નુકસાન પહોંચાડી શકાય એમ હોવાથી આતંકવાદીઓના હિટ લિસ્ટમાં રામ મંદિર પહેલા ક્રમે હોવાનું જણાય છે. જેના કારણે તેની સુરક્ષામાં કોઇપણ પ્રકારની ચૂક સાંખી શકાય નહીં. આ જ વાતને ધ્યાનમાં રાખીને સરકારે એનએસજી હબ અયોધ્યામાં તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.