આગામી બે દિવસ વાવાઝોડાનું સંકટઃ IMDએ કરી મોટી આગાહી
ભુવનેશ્વરઃ બંગાળની ખાડી ઉપર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર આજે વધુ મજબૂત બન્યું હતું અને ૨૩ ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જે ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચેથી પસાર થશે. આ જાણકારી ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આપી હતી.
ભારત હવામાન વિભાગે એક તાજા અહેવાલમાં જણાવ્યું કે તેની હિલચાલને ચાલુ રાખતા આ સિસ્ટમ ૨૪ ઓક્ટોબરની રાત્રે અને ૨૫ ઓક્ટોબરની સવાર દરમિયાન પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને એક ગંભીર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન ૧૦૦-૧૧૦ કિમી પ્રતિ કલાક અને ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
રાષ્ટ્રીય હવામાન એજન્સીના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અડીને આવેલા આંદામાન સાગર ઉપર બનેલું નીચું દબાણ ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને સોમવારે ૧૧-૩૦ વાગ્યે બંગાળની ખાડીના પૂર્વ-મધ્યમાં એક સ્પષ્ટ નીચા દબાણવાળા ક્ષેત્ર તરીકે સ્થાપિત થયું હતું.
આઇએમડીએ જણાવ્યું કે તેની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને ૨૨ ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની તથા ૨૩ ઓક્ટોબર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
ત્યાર બાદ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવા તથા ૨૪ ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની શક્યતા છે. આઇએમડીએ માછીમારોને સોમવાર સાંજ સુધીમાં કિનારે પાછા ફરવાની તથા ૨૬ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે.