Bangladesh થી ભાગીને નદીઓ, નહેરો અને ઝાડીઓ ઓળંગીને ભારતમાં આવવાના પ્રયાસમાં હજારો હિંદુ
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)તખ્તાપલટ બાદ લઘુમતીઓ પરના અત્યાચારમાં વધારો થયો છે. ખાસ કરીને હિંદુઓ તેમના ઘર છોડીને ભારતમાં આશરો લઈ રહ્યા છે. હજારો હિન્દુઓ નદીઓ, નહેરો અને ઝાડીઓ ઓળંગીને ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળના કૂચ બિહારના સીતાલકુચીમાં લગભગ 1000 બાંગ્લાદેશીઓને નહેરોમાં ઊભા રહીને બીએસએફને વિનંતી કરવાની ફરજ પડી છે. BSFના અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર લોકોનું આ સૌથી મોટું જૂથ છે.
લોકો ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવી રહ્યા હતા
કૂચ બિહારના કાશિયાર બરુની વિસ્તારમાં પથાનતુલી ગામ પાસે બાંગ્લાદેશ બોર્ડર પર ઊંચા વાયર લગાવવામાં આવ્યા છે. વચ્ચે એક મોટી નહેર પણ છે. બાંગ્લાદેશથી ભાગીને આવેલા હજારો લોકો આ નહેરમાં ઉભા રહીને આજીજી કરવા મજબૂર છે. આમાંથી ઘણા લોકો ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવી રહ્યા હતા. BSF જવાનોએ તેમને સીમાથી 150 યાર્ડ દૂર ઝીરો પોઈન્ટ પર રોક્યા. બીએસએફના જવાનોએ તેમને તેમના ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી પરંતુ કોઈ તૈયાર ન થયું. આ લોકો બાંગ્લાદેશના રંગપુર જિલ્લાના દોઈ ખાવા અને ગેન્દુગુરી ગામના છે.
પેટ્રાપોલમાં ઘણા દિવસોથી બાંગ્લાદેશીઓ આવી રહ્યા છે
બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે તેઓએ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશને તેમના લોકોને પરત લેવા વિનંતી કરી હતી. બીએસએફના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ સીમા સુરક્ષા અને માનવતાવાદી સહાય વચ્ચે મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. બીએસએફના જવાનો આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના પેટ્રાપોલમાં ઘણા દિવસોથી બાંગ્લાદેશીઓ આવી રહ્યા છે.
ઘરને ટોળાએ ઘેરી લીધું હતું
એક અખબારના અહેવાલ મુજબ બાંગ્લાદેશના ભરતકાઠીની એક મહિલા ભક્તિએ જણાવ્યું કે તે તેના પતિ સાથે મેડિકલ વિઝા પર ભારત આવી હતી. તેમણે જણાવ્યું કે 3 ઓગસ્ટથી તે રાત્રે ઊંઘી શકી નથી. શુક્રવારે પણ તે જાગતી રહી . 3 ઓગસ્ટની રાત દુઃસ્વપ્ન જેવી હતી. તેમણે જણાવ્યું કે તેમના ઘરને ટોળાએ ઘેરી લીધું હતું. ટોળાએ અવામી લીગ ગ્રામ પંચાયત પાસેથી 12,000 રૂપિયાની માંગણી કરી હતી. રાત્રે જ કોઈક રીતે 4500 રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી અને પછી ભીડ ત્યાંથી નીકળી ગઈ.
Also Read –