ટિકિટ વિના મુસાફરી કરનારાને ટીસીએ કરી મારપીટ, ભોગવવું પડ્યું આ પરિણામ
નવી દિલ્હી: લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારાનો ત્રાસ છે, પરંતુ ટીસીની પણ દાદાગીરી વધારે પડતી હોય છે. તાજેતરમાં ઉત્તર ભારતની ટ્રેનમાં ટીસીએ ટિકિટ વિના મુસાફરી કરનારાની મારપીટ કરી હતી.
આ બનાવ બરૌની-લખનઊ એક્સ્પ્રેસ ટ્રેનમાં બન્યો હતો. વગર ટિકિટે પ્રવાસ કરનારા પ્રવાસીને ટીસીએ થપ્પડ મારવાનો ચોંકાવનારો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વાઈરલ વીડિયોને ઘ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ટીસીની વર્તણૂક અંગે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. વીડિયો વાઇરલ થયા બાદ રેલવે પ્રશાસન દ્વારા ટીસી પર કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વાઇરલ વીડિયોમાં એક ટીસીએ ટ્રેનની સીટ પર બેસેલા પ્રવાસી પાસેથી ટિકિટ માગી હતી, પણ તેના પાસે ટિકિટ ન હોવાની વાતથી ટીસીએ તેને થપ્પડ માર્યા હતા. આ ઘટનામાં પ્રવાસી ટીસી સામે હાથ જોડીને માફી પણ માગતો જોવા મળ્યો હતો તેમ છતાં ટીસીએ સતત તેને મારવાનું ચાલુ જ રાખ્યું હતું.
વીડિયોમાં આગળ ટીસીએ આ ઘટનાનો વીડિયો બનાવવાર વ્યક્તિ પર પણ હુમલો કર્યો હતો. ટીસી દ્વારા પ્રવાસીને માર મારવાની ઘટનાને લીધે રેલવે પ્રશાસન પ્રવાસીઓની સુરક્ષા અને માન-મર્યાદા રાખતા હોવાની પોલ ખોલી નાખે છે.
આ મામલે ઉત્તરપૂર્વ રેલવે દ્વારા આ આરોપી ટીસીની માહિતી જાહેર કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા ટીસીનું નામ પ્રકાશ છે અને તે યુપીના લખનઊમાં ફરજ બજાવે છે. રેલવે દ્વારા તેના સસ્પેન્શન લેટરને પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.