હરિયાણામાં ફાયરિંગ વખતે મહિલા બની વિરાંગના, આ રીતે ભગાવ્યા દુશ્મનોને…
નવી દિલ્હી: હરિયાણાના ભિવાનીમાંથી એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક સ્ત્રી ઝાડુ લઇને કેટલાક અજાણ્યા લોકો પાછળ દોડતી જોવા મળે છે. આ ઘટનામાં કેટલાક લોકો બાઇક લઇને આવે છે અને ત્યાં રહેતા વ્યક્તિને વાત કરવા માટે ઘરની બહાર બોલાવે છે અને પછી તેની પર ગોળીબાર કરે છે. ત્યારે બાજુમાં રહેતી મહિલા ગોળીના અવાજના કારણે ઘરની બહાર દોડી આવે છે અને હાથમાં ઝાડુ લઇને અજાણ્યા લોકોનો પીછો કરતી જોવા મળે છે. મહિલાને તેમની પાછળ જોઈને તમામ બદમાશો ત્યાંથી ભાગી જાય છે.
પોલીસે ફાયરિંગમાં ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ હરિકૃષ્ણ તરીકે કરી છે. હરિકૃષ્ણ પર રવિ બોક્સરની હત્યાનો આરોપ છે. હરિકૃષ્ણનો સંબંધ લોરેન્સ બિશ્નોઈ સાથે પણ છે અને હરિકૃષ્ણ હાલમાં જામીન પર બહાર છે. ત્રણ મહિના પહેલા ભિવાની પોલીસે હરિકૃષ્ણ પર હુમલાની યોજના ઘડવા બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
ગોળીબારની આ ઘટના સોમવારે સવારે 7:30ના સુમારે ભિવાનીમાં બની હતી. બદમાશોએ હરિકૃષ્ણ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં હરિકૃષ્ણ ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હરિકૃષ્ણને સારવાર માટે રોહતકમાં રિફર કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે તેમજ અપરાધીઓને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે હરિકૃષ્ણ તેના ઘરની બાજુમાં ઉભો છે. ત્યારે થોડી જ વારમાં તેની પાસે બે બાઇક ઉભી રહે છે. અને તેમાં પાછળ બેઠેલા લોકો નીચે ઉતરીને ગોળીબાર કરે છે. હરિકૃષ્ણ દરવાજા તરફ દોડવા જાય છે પરંતુ ગોળી વાગવાથી ઘાયલ થયો હોવાના કારણે તે દોડી શકતો નથી જો કે કોઇ પણ રીતે તે ગેટની અંદર જતો રહે છે આ દરમિયાન હુમલાખોરો ગેટની બહાર ઊભા રહીને ફાયરિંગ ચાલુ રાખે છે. ત્યારે જ પાડોશમાંથી એક મહિલા આવે છે અને ઝાડુ લઈને આરોપીનો પીછો કરે છે. જેના કારણે આરોપીઓ ત્યાંથી ભાગી જાય છે.