વીએચપીના આ નેતા એ કહ્યું કે દિગ્વિજય સિંહનું નિવેદન સાચું નથી….
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને રામ લલ્લાના અભિષેક માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો વળી દરેક પક્ષો પોતાની રીતે નિવેદનો આપીને રાજકારણમાં હોબાળો મચાવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે હવે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના મંદિર અધૂરા હોવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
આલોક કુમારે કહ્યું હતું કે દિગ્વિજય સિંહનું નિવેદન ખોટું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રામલલ્લાની સ્થાપના કરવાની છે અને ત્યાંનું બધું જ કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય બપોરે 12:20 નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે મંદિર અધૂરું છે એવું કહીને આમંત્રણનો અસ્વીકાર થતો મેં ક્યારેય જોયો નથી. આ તો બસ દેખાડો છે.
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે ત્રણેય શંકરાચાર્યએ મંદિર પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે અને અભિષેકને આવકાર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પોસ્ટમેન તરીકે કામ કર્યું છે. ઘરે ઘરે જઈને લોકોને પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્સાહ વધાર્યો છે.
ઉલ્લખનીય છે કે કોંગ્રેસના સાંસદ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે એવું પૂછ્યું હતું કે કેટલા લોકોએ આમંત્રણ સ્વીકાર્યું છે. શું તમે સ્વીકાર્યું છે? કોઈ સ્થાપિત ધર્મગુરુએ આમંત્રણ સ્વીકાર્યું નથી કારણકે ધાર્મિક ગ્રંથો અનુસાર જે મંદિરનું બાંધકામ અધૂરું હોય ત્યાં કોઈ પણ મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકાતી નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે ફક્ત કોંગ્રેસ જ નહીં પરંતુ શિવસેના, આરજેડી, જેડીયુ, ટીએમસી, સીપીઆઈ આ બધાને આમંત્રણ મળ્યું છે. પરંતુ જોવાનું એ છે કે આ સમારોહમાં હાજરી કોણ કોણ આપે છે. ભગવાન રામ દરેકના છે. મંદિરના દર્શન કરીને અમને આનંદ થશે, પરંતુ પહેલા બાંધકામ પૂરું થવું જોઈએ. પછી જ પ્રતિષ્ઠા કરાય આ તો ફક્ત ભાજપનો જ કાર્યક્રમ છે.