વાહનચાલકો માટે આ નવો કાયદો બન્યો માથાનો દુ:ખાવો, હિટ એન્ડ રનમાં નિર્દોષને પણ સજા?

તાજેતરમાં સંસદના શિયાળુ સત્રમાં ભારતીય ન્યાય સંહિતા વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. આ વિધેયક હેઠળ ગુનાખોરીને લગતા વિવિધ પ્રકારના બ્રિટિશ શાસન સમયના કાયદામાં ફેરફારો કરીને નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. જેમાં એક કાયદો છે હિટ એન્ડ રનનો કાયદો, પહેલા આ કાયદા હેઠળ દોષિતને 2 વર્ષની સજા થતી હતી અને જામીન પણ મળી જતા હતા, જો કે હવે આ કાયદામાં સજાની જોગવાઇમાં ધરખમ ફેરફાર થયો છે, જે મુજબ હિટ એન્ડ રનમાં વાહનચાલકને 10 વર્ષની સજા થશે તેમજ દંડ પણ ફટકારવામાં આવશે.
જો વાહન સાથે કોઇ અથડાય અને વાહનચાલક સ્થાનિક પોલીસતંત્રને સૂચના આપ્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જાય તો તેણે 10 વર્ષની સજા તથા 7 લાખ રૂપિયાનો દંડ બંને ભોગવવા પડશે. આ ફેરફારને પરિણામે વર્ષ 2024ના પહેલા દિવસથી જ દેશભરમાં વિરોધનો માહોલ છવાયો છે. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ફક્ત ટ્રકચાલકો જ નહિ, પણ બસચાલકો, ટેક્સી-રિક્ષાચાલકો તેમજ ખાનગી વાહનો ધરાવતા લોકો પર પણ આ નિયમ સમાનપણે લાગુ પડશે.
સરકારી આંકડાઓ મુજબ દર વર્ષે 50 હજારથી વધુ લોકો સડક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે નવા કાયદામાં સજાની જોગવાઇ વધુ કડક રાખવામાં આવી છે. પહેલા હિટ એન્ડ રનમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડી તેની મદદ કરવાને બદલે તેને રસ્તા પર જ મરવા માટે છોડી દેવામાં આવતો હતો, પરંતુ હવે આ રીતે ભાગી જનાર વ્યક્તિને વધુ કડક સજા થશે. આઇપીસીમાં હજુસુધી આવી કોઇ જોગવાઇ નહોતી.
જો કે અમુક ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આ કાયદો બેધારી તલવાર જેવો છે. ટ્રકચાલકો દલીલ કરી રહ્યા છે કે ક્યારેક ગાઢ ધુમ્મસને કારણે પણ અકસ્માતો થઇ જતા હોય છે. અમુક કિસ્સામાં જે વ્યક્તિ અથડાયું હોય તેની પણ ભૂલ હોઇ શકે છે, ડ્રાઇવર જો ઇજા પામેલ વ્યક્તિની મદદ માટે રોકાય તો બેકાબૂ ભીડના ગુસ્સાનો પણ તે ભોગ બની શકે છે. લોકોનું ટોળું તેના પર તૂટી પડે ત્યારે તેને બચાવવા કોણ આવશે?
નવા કાયદામાં એવી પણ જોગવાઇ છે કે વાહન સાથે જે વ્યક્તિ અથડાય તે જો ખોટી રીતે વાહનની સામે આવ્યો હશે તો તેને પણ સજા થશે અને ડ્રાઇવરની સજા 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરી દેવામાં આવશે. કેસમાં દોષિત કોણ એ જે પ્રકારે સાબિત થશે તે પ્રકારે સજા તથા દંડ ફટકારવામાં આવશે.